બદલાપુરમાં ગુડ્ઝ ટ્રેનની બ્રેક ફેલ થતાં રેડ સિગ્નલ કુદાવી લોકલના પ્લેટફોર્મ પર
સાંજે રશ અવર્સમાં જ નવ લોકલ રદ અને 12 લોકલ અંબરનાથ ટર્મિનેટ
કર્જતથી મુંબઇ જનારી ટ્રેનો પૂર્ણપણે ઠપ : સદ્ભાગ્યે પ્લેટફોર્મ પર કોઇ લોકલ ન હોવાથી બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ
મુંબઇ : બદલાપુર સ્ટેશને આજે સર્જાયેલી એક દુર્ઘટનામાં મુંબઈથી પુણેની દિશામાં જઈ રહેલી ગુડ્ઝ ટ્રેનની બ્રેક ફેઈલ થતાં તે રેડ સિગ્નલ કુદાવી સ્ટેશનનાં લોકલના હોમ પ્લેટફોર્મ પર જતી રહી હતી. તેના કારણે ડાઉન લાઈન તથા કરજત તરફથી લાઈન પણ ખોરવાતાં સાંજના રશ અવર્સમાં જ લોકલ ટ્રેનોના વ્યવહાર પર અસર પડી હતી. નવ લોકલો રદ કરવામાં આવી હતી જ્યારે ૧૨ લોકલોને શોર્ટ ટર્મિનેટ કરાઇ હતી. સદભાગ્યે આ વખતે હોમ પ્લેટફોર્મ પર કોઈ લોકલ ટ્રેન ન હતી નહિતર ગુડ્ઝ ટ્રેન તેની સાથે ટકરાઈ હોત તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ હતી.
પેણથી તામિલનાડુ જઈ રહેલી માલવાહક ટ્રેનમાં લોખંડના કોઇલ હતા. આ ટ્રેન બદલાપુર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પરથી પસાર થવાની હતી. ટ્રેનને રેડ સિગ્નલ મળ્યું હોવા છતાં તેના બ્રેક ફેલ થવાને કારણે તે પ્લેટફોર્મ નંબર એક પર જતી રહી હતી. ત્યારબાદ તેનું એન્જિન બંધ પડી જતા ગાડી ત્યાં જ અટકી હતી. સદ્ભાગ્યે તે સમયે પ્લેટફોર્મ ઉપર કોઇ પણ લોકલ ઉભી ન હતી નહીં તો મોટો અકસ્માત સર્જાયો હોત. લોકલના માર્ગ પરથી માલગાડી હટાવવા લગભગ ત્રણથી વધુ કલાક ડાઉન માર્ગ બંધ રહ્યો હતો. સીએસટીથી છુટનારી ૧૨ ટ્રેનો અંબરનાથ સ્ટેશને ટર્મિનેટ કરાઇ હતી. અને નવ લોકલો રદ કરવામાં આવી હતી. તથા એક લાંબા અતરની ટ્રેનનું ટાઇમટેબલ પણ ખોરવાયું હતું.
સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ અપ લાઇન પર ટ્રેન વ્યવહાર ફરી ચાલુ થયો હતો ત્યારબાદ ડાઉન રૃટ પર કામ શરૃ કરાયું હતું. કર્જત તરફ જનારી ટ્રેનો સાંજે ૬.૫૦ વાગ્યે પૂર્વવત કરવામાં આવી હતી. ઘટના બાદ માલગાડીના લોકોપાયલટને ગાડીમાંથી ઉતારીને પૂછપરછ માટે લઇ જવાયો હતો. દરમિયાન અંબરનાથથી લોકલો સીએસટી તરફ રવાના થવાથી આગળના સ્ટેશનોના પ્રવાસીઓ ટ્રેક પર ઉતરીને બદલાપુર સ્ટેશને પહોંચ્યા હતા. તેમજ કર્જતથી મુંબઇ આવનારી ટ્રેનો પૂર્ણપણે ઠપ થવાથી પ્રવાસીઓને ભારે હાલાકી થઇ હતી.
પશ્ચિમ રેલવેમાં ૧૩ એસી લોકલોને બદલે સાદી લોકલો દોડી
બુધવારે પશ્ચિમ રેલવેમાં તેર એસીને સ્થાને સાદી લોકલો દોડાવવામાં આવી હતી. જેને લીધે ખાસ કરીને ધસારાના સમયમાં એસી લોકલના પ્રવાસીઓને અગવડ પડી હતી. એસી ટ્રેનમા ટેેક્ટીનીકલ ખામી સર્જાના કારણે પશ્ચિમ રેલવેએ આવું કરવું પડયું હતું. વર્તમાનમાં પશ્ચિમ રેલવેમાં રોજ ૧૩૯૪ લોકલ સેવાઓ થાય છે જેમાં ૭૯ એસી લોકલની ફેરી હોય છે. ૭૯માંથી ૧૩ એસી લોકલો સાદી ટ્રેનો સાથે બદલવામાં આવી હતી તેમાં ૫૦ટકા ટ્રેનો ચર્ચગેટ- બોરીવલી રૃટની હતી. પ્રવાસીઓને પડેલી હાલાકી બાબતે એસી લોકલના રોજીંદા પ્રવાસીએ સોશિયલ મીડીયા ઉપર પશ્ચિમ રેલવેને ટેગ કરીને સૂચવ્યું હતું કે રદ્દ થયેલી ટ્રેનના ટિકિટ ભાડાનું વળતર પ્રવાસીઓને આપવામાં આવે.