પોલીસ સ્ટેશનમાં વાતચીતનું રેકોર્ડિંગ ઓફિશ્યલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો નથી
પોલીસ મથક આ કાયદા હેઠળ પ્રતિબંધિત સ્થળ નથી
કેસમાં પ્રગતિની માહિતી માગતી વખતે પોલીસ અધિકારી સાથે વાતચીતના રેકોર્ડિંગ માટે થયેલો કેસ રદઃ જોકે જાસૂસી અને ધમકીના આરોપનો કેસ ચાલશે
મુંબઈ : પોલીસ સ્ટેશનની અંદર વાતચીતનું રેકોર્ડિંગ કરવાથી ઓફિશ્યલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો બનતો નથી, એમ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે તાજતરના ચુકાદામાં જણાવ્યું છે.
કોર્ટે મહારાષ્ટ્રના પાથરડીના બે ભાઈઓ સામે જાસૂસીનો આરોપ રદ કર્યો હતો. ર્ે જોકે ભારતીય દંડ સંહિતા હેઠળ તેમની સામે ફોજદારી કાવતરાનો આરોપ રદ કરાયો નહોતો.
એફઆઈઆર અને સાક્ષીદારોના નિવેદન પરથી આખી ઘટના પોલીસ સ્ટેશનમાં બની હોવાનું કોર્ટે નોધ્યું હતું. ઓફિશ્યલ સિક્રેટ્સ એક્ટ ૧૯૨૩ હેઠળ પોલીસે કેસ નોંધ્યો હતો. કાયદાની કલમ ૨(૮)માં પ્રતિબંધિત સ્થળની વ્યાખ્યા અપાઈ છે. પોલીસ સ્ટેશન આ વ્યાખ્યામાં સમાવિષ્ટ નથી. કલમ ત્રણ જાસૂસી માટે દંડ કરવા સંબંધી છે. પોલીસ સ્ટેશનમાં જે કંઈ થયેલુ હોય તે કલમ ત્રણમાં સમાવિષ્ટ નથી. આવા સંજોગોમાં કલમની વિગતો લાગુ પડતી નથી, એમ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું.
પોલીસ અધિકારી સાથેની વાતચીત રેકોર્ડ કરવા બદલ સુભાષ અને સંતોષ આઠારે સામે ઓફિશ્યલ સિક્રેટ એક્ટ હેઠળ તેમ જ ભારતીય દંડ સંહિતાની કલમ જાસૂસી અને ધાકધમકીનો ગુનો નોંધાયો હતો.
આઠારેના ઘરમાં ત્રણ જણા ઘૂસીને તેમની માતાને મારમાર્યો હોવાની ઘટના બાદ ઉક્ત કેસ થયો હતો. પોલીસના સહકારથી અસંતુષ્ટ થઈને આઠારે બંધુઓએ જવાબ માગ્યો હતો. કેસ વિશે તપાસ અધિકારી પાસે સુભાષે ખુલાસો માગ્યો હતો અને વાતચીત રેકોર્ડ કરી હતી. વાતચીત દરમ્યાન ફરિયાદીને કેસ પાછો ખેંચવાની ધમકી અપાઈ રહી હોવાનો આરોપ હતો. એટ્રોસિટી કાયદા હેઠળ આરોપ લગાવવાની પણ ધમકી અપાઈ હોવાનો આરોપ કરાયો હતો. આ રેકોર્ડિંગ તેમે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને ફોરવર્ડ કર્યું હતું ત્યારબાદ તેની સામે એફઆઈઆર દાખલ થઈ હતી.
ભાઈઓના વકિલે દલીલ કરી હતી કે નક્કર પુરાવાને આધારે ફરિયાદ કરી હોવાથી બદલાની ભાવનાથી એફઆઈઆર કરાઈ છે જે રદ થવી જોઈએ. જાસૂસીના આરોપની ગંભીરતા જોઈને કોર્ટે નીચલી કોર્ટને કાર્યવાહી માટે પુરતા પુરાવા છે કે નહીં એ નક્કી કરવા જણાવ્યું છે.