અંધેરીમાં વિક્રમઃ 8 કલાકમાં 2500 ખુદાબક્ષો પકડાયા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
અંધેરીમાં વિક્રમઃ 8 કલાકમાં 2500 ખુદાબક્ષો પકડાયા 1 - image


વેસ્ટર્ન રેલવેની ટિકિટ ચેકર્સ ટીમે ઘેરો રચી દીધો

વિનાટિકીટે અથવા ગેરકાયદે ટ્રેનમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને ઝડપવાં પશ્ચિમ રેલવેએ સરપ્રાઈઝ ચેકિંગ વધારી 

મુંબઈ :  પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે મંગળવારે અંધેરી સ્ટેશન પર આઠ કલાકની ટિકીટ તપાસણીની ઝુંબેશ ચલાવી હતી. તેમાં વગર ટિકીતે અથવા ગેરકાયદે ફર્સ્ટ ક્લાસ કે એસીમાં પ્રવાસ કરનારા કુલ ૨૬૯૩ ખુદાબક્ષ પ્રવાસીઓ પકડાયાં હતાં. જેમની પાસેથી દંડ પેટે કુલ ૭.૧૪ લાખ રુપિયા રેલવેએ મેળવ્યાં છે.

આ પહેલાં ૩૦મી સપ્ટેમ્બરે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ વિભાગે દાદર સ્ટેશને ૧૬૪૭ ગેરકાયદે પ્રવાસીઓ પર કાર્યવાહી કરી તેમની પાસેથી કુલ ૪.૨૧ લાખ રુપિયા વસૂલ્યા હતાં. અધિકારીઓના જણાવ્યાનુસાર, અચાનકની થયેલી આ ટિકીટ તપાસની કામગિરીથી ગયા મંગળવારની તુલનાએ આ મંગળવારે અંધેરી સ્ટેશને ટિકીટનું વેચાણ ૨૫ ટકા વધી ગયું હતું. આજે બુધવારે પણ ટિકીટનું વેચાણ દરરોજની તુલનાએ સારું જોવા મળ્યું હતું.

'મેરા ટિકીટ મેરા ઈમાન' પહેલ હેઠળ આ ઝુંબેશ ચલાવાઈ હતી. જ્યાં તપાસ અધિકારીઓએ સ્ટેશનના ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર ટિકીટ તપાસવા માટે માનવસાંકળ રચી હતી. આ ઝુંબેશ શરુ થતાં જ સોશિયલ મીડિયા પર તથા રેલવેના એપ્લિકેશન પર ટીસી હોવાના મેસેજ ફરવા લાગ્યા હતાં અને પ્રવાસીઓ અન્ય પ્રવાસીઓને ટિકીટ લેવા માટે પ્રોત્સાહિત કરવા લાગતાં ટિકીટ વેચાણનું પ્રમાણ વધ્યું હતું. તો આજના દિવસે ટીસીનો સામનો ન કરવો પડે માટે થઈને સામેથી જ પ્રવાસીઓ ટિકીટ કઢાવવા પહોંચી ગયા હતાં.

ખુદાબક્ષ પ્રવાસીઓનું પ્રમાણ ઘટાડવા પશ્ચિમ રેલવે હવે ટિકીટ તપાસનારાઓની સરપ્રાઈઝ વિઝીટ વિવિધ સ્ટેશનો પર તથા ફર્સ્ટ ક્લાસ કોચ અને એસી ટ્રેનમાં કરી રહી છે. ઉપરાંત રેલવેએ પ્રવાસીઓને વારંવાર વિનંતી પણ કરી છે કે દરેક પ્રવાસીએ પોતાની જવાબદારી સમજી યોગ્ય ટિકીટ લઈને જ પ્રવાસ કરવો, જેથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.



Google NewsGoogle News