રે પ્રદૂષણ! મુંબઈમાં તાપણું કરનારા 88ને પાલિકાનો દંડ
પ્રદૂષણ રોકવા પાલિકાની 'કઠોર' કાર્યવાહી
મુંબઈમાં તાપણું કરવા પર પ્રતિબંધ છેઃ દરેકને 100-100 રુપિયા દંડ કરાયો
મુંબઇ : મુંબઇમાં વધતા વાયુ પ્રદૂષણને રોકવાના આશયથી પાલિકાએ તાપણું સળગાવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ છતાં પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરી તાપણું કરનાર ૮૮ લોકોને પાલિકાએ ૧૦૦ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. પાલિકાની આ કાર્યવાહીને લીધે દંડનો ભોગ બનેલા લોકો સહિત અન્યો પણ ભારે આશ્ચર્યમાં મુકાયા હતા.
મુંબઇમાં છેલ્લા થોડા દિવસથી વાયુ પ્રદૂષણમાં ભયજનક સ્તરે વધારો નોંધાતા પાલિકાએ પ્રદૂષણને નાથવા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની ગાઇડ લાઇન્સ મુજબ કાર્યવાહી આદરી છે.
પાલિકાએ પ્રદૂષણ રોકવા બિલ્ડરોને સ્ટોપવર્ક નોટિસો બજાવવાની સાથે જ ઇમારતનો કાટમાળ ઠાલવનારાઓ સામે પણ કડક હાથે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પ્રદૂષણ રોકવા માટે તાપણું સળગાવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. સામાન્ય રીતે શિયાળામાં વોચમેન, સુરક્ષાકર્મીઓ તેમજ બાંધકામ સ્થળે રહેતા કામદારો ઠંડીથી બચવા માટે તાપણું કરતા હોય છે. આ લોકો લાકડાના ટુકડા, પ્લાયવુડ, પ્લાસ્ટિક, ટાયર આદિ વસ્તુઓથી તાપણું કરતા હોય છે. પરિણામે ઝેરી વાયુ ફેલાવાથી પ્રદૂષણ વધતું હોવાથી પાલિકાએ થોડા દિવસો પહેલા જ તાપણું સળગાવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
આ સિવાય બાંધકામ સ્થળો અને સોસાયટીઓને પણ આવા લોકોને તાપણું કરતા અટકાવવા વોચમેન, સુરક્ષા રક્ષકો આદિને હિટર, ઉની કપડા આદી પૂરા પાડવા જણાવ્યું હતું.
આ સિવાય પાલિકાના ૨૪ વોર્ડને પણ તાપણું સળગાવનારાઓ સામે 'કઠોર' કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. આ વાતને ધ્યાનમાં રાખી પાલિકાએ તાપણું કરતા ૮૮ લોકો સામે કાર્યવાહી કરી તેમને પ્રત્યેકે રૃા. ૧૦૦/-નો દંડ ફટકાર્યો હતો.