અકસ્માતનું આળ મૂકતો વીડિયો પોસ્ટ કરનારને બદનક્ષીની રવિના ટંડનની નોટિસ
આરોપીએ રવિનાને તેના ઘર પાસે જ આંતરી હતી
પોલીસ તપાસમાં અકસ્માતની વાત ખોટી પુરવાર થયા છતાં વીડિયો ન હટાવ્યોઃ રવિનાએ વિનંતી કરતાં ઉલ્ટાની ધમકી આપી
મુંબઇ : તાજેતરમાં એકટ્રેસ રવિના ટંડન પર અકસ્માતનું ખોટું આળ મૂકતો વિડિયો વાઇરલ થયો હતો જે બાદમાં બનાવટી હોવાનું સ્વીકાર્યા બાદ આરોપીએ તેને મિડિયા પ્લેટફોર્મ એક્સ પરથી ન હટાવતાં હવે રવિના ટંડને તેની વકીલ મારફતે આ વિડિયો બનાવીને એક્સ પ્લેટફોર્મ પર મુકનારને બદનક્ષીની નોટીસ આપી હતી.
સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલાં વિડિયોમાં માણસ એવો દાવો કરતો જોવા મળે છે કે રવિનાની કાર તેની માતાને અથડાઇ હતી. આ બાબતે સવાલ કરવામાં આવતાં રવિનાએ હુમલો કર્યો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. આ માણસે એવો દાવો કર્યો હતો કે રવિનાના ઘર પાસે આ ઘટના બની ત્યારે તેની માતા, બહેન અને ભત્રીજી પણ મોજૂદ હતા.
જો કે, મુંબઇ પોલીસની તપાસમાં જણાયું હતું કે રવિનાની કાર કોઇને અથડાઇ જ નહોતી. એડવોકેટ મારફત મોકલવામાં આવેલી આ બદનક્ષીની નોટીસમાં જણાવાયું છે કે રવિનાએ પોલીસ તપાસમાં બહાર આવેલી સાચી વિગતોની જાણ આ માણસને કરી હતી. આ માણસે રવિનાને પાંચ જુને ઇ મેઇલ દ્વારા એક્સ પરથી આ વિડિયો દૂર કરવાની વિનંતી કરતો પત્ર પાઠવવા જણાવ્યું હતું.
જો કે, બાદમાં આ માણસે વિડિયો હટાવવાની ના પાડી હતી અને રવિનાને ધમકી આપી હતી કે જો તે તેનો રિકવેસ્ટ લેટર ચોવીસ કલાકમાં પાછો નહી ખેંચી લે તો તેની સામે કાનુની પગલાં ભરવામાં આવશે. નોટીસમાં રવિના ટંડને જણાવ્યું હતું કે આ માણસ સોશ્યલ મિડિયા પર અને ન્યુસ પોર્ટલ પર આ વિડિયો દ્વારા તેની બદનક્ષી કરી રહ્યો છે. જેના કારણે રવિનાને માનિસક ત્રાસ સહેવો પડયો છે. રવિનાની વકીલે જણાવ્યું હતું કે અમે આ મુદ્દે તમામ જરૃરી કાનુની પગલાં લઇ રહ્યા છીએ.