રાજકીય સન્માન સાથે રતન ટાટા પંચમહાભૂતમાં વિલીન
મુંબઈમાં
અંતિમ દર્શને રાજનેતાઓ,ટોચના ઉદ્યોગપતિઓ, કલાકારો સાથે હજારો સામાન્ય લોકોએ
પણ લાઈન લગાવી
આમ્હાલા
દેવા ચે દર્શન કરુ દ્યા (અમને અમારા ભગવાનના દર્શન કરવા દો)ની આજીજી સાથે અનેક
સામાન્ય લોકોએ સ્મશાનભૂમિ ખાતે ભીડ જમાવી,
સ્વ. રતન ટાટાની ઈચ્છા મુજબ પારસી પરંપરાથી ચીલો ચાતરીને અગ્નિદાહ
અપાયો
ડબ્બાવાળા,
ટાટાની સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ, ટાટા
ગ્રૂપના માજી કર્મચારીઓ, ટાટાની હોસ્પિટલોમાંથી સારવાર લઈ
ચૂકેલા દર્દીઓ સહિતના સામાન્ય લોકોને પણ અંતિમ દર્શન માટે ધસારો
મુંબઈ :
ભારતીય ઉદ્યોગ જગતના મુઠ્ઠીૂ ઊંચેરા સખાવતી ઉદ્યોગપતી અને
ટાટા જૂથના વડા રતન ટાટાનો પાર્થીવ દેહ આજે ''ભારત-રતન''
અમર રહે... ભારત માતા કી જય... એવાં ગગનભેદી નારા સાથે પંચમહાભૂતમાં
વિલીન થઈ ગયો હતો. વરલીના વિદ્યુત સ્મશાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અને
મહાનુભાવો કરતાં આમ આદમીઓની પ્રચંડ ભીડ સાથે અંતિમ-સંસ્કાર કરવામાં આવ્યા હતા.
રતન
નવલ ટાટાએ ૮૬ વર્ષની જૈફ વયે ગઈ મોડી રાત્રે દક્ષિણ મુંબઈની બ્રીચ-કેન્ડી
હોસ્પિટલમાં અંતિમ-શ્વાસ લીધા હતા. ત્યાર પછી આજે સવારે સદ્ગતના નશ્વર દેહને
નરીમાન પોઈન્ટના એનસીપીએમાં અંતિમ-દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજે
ચાર વાગ્યે શ્વેત ફુલોથી શણગારવામાં આવેલા વાહનમાં તેમની સ્મશાનયાત્રા નીકળી હતી
ને વરલી સ્મશાનભૂમિ પહોંચી હતી.
સાદગી
અને સેવાવૃત્તિની જીવંત મૂર્તિ સમા રતન ટાટાના રાષ્ટ્રધ્વજ ઓઢાડેલા નશ્વર દેહને પ્લેટફોર્મ
પર રાખવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસ તરફથી ૨૧ ગન સેલ્યુટ આપવામાં આવી હતી અને ત્યારબાદ
બ્યુગલ પર અંતિમ વિદાયની ધૂન વગાડવામાં આવતા વાતાવરણમાં શોકની છાયા ફરી વળી હતી ત્યાર
પછી પારસી ધર્મગુરુ દ્વારા જરથોસ્તી ધર્મની પ્રાર્થના કરવામાં આવ્યા પછી વિદ્યુત દાહિનીમાં
અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.સામાન્ય રીતે પારસી
પરંપરા પ્રમાણે મૃતદેહને ટાવર ઓફ સાયલન્સ ખાતે મૂકી દેવામાં આવે છે. તેથી વિપરીત રીતે
સ્વ. રતન ટાટાની ઈચ્છા પ્રમાણે જ વરલી ખાતે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દેશના
પનોતા પુત્રના અંતિમ દર્શન માટે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન
ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે,
કેન્દ્રના પ્રધાન પિયુષ ગોયલ, અનેક રાજકીય
મહાનુભવો, ઉદ્યોગપતિઓ, ટાટા ખાનદાનના સભ્યો ઉપસ્થિત થયા
હતા. સ્મશાનભૂમિની અંદર માત્ર ૨૦૦ વીઆઈપીઓ અને સગા-સંબંધીઓને પ્રવેશ આપ્યો હતો.
વરલીમાં
અંતિમ-સંસ્કાર થવાના હોવાથી મુખ્ય રસ્તાનો
ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. સ્મશાનભૂમીના બધા જ દરવાજા બંધ કરી દેવામાં
આવ્યા હતા. પરંતુ સ્મશાનભૂમિની બહાર લોકોની એટલી બધી ભીડ જામી હતી અને જોરજોરથી
પોલીસને આજીજી કરતા હતા કે આમ્હાલા દેવા ચે દર્શન કરૃ દ્યા (અમને અમારા ભગવાનના દર્શન કરવા દો) આખરે મુખ્ય
પ્રવેશદ્વાર ખુલ્લું મૂકવામાં આવતા જાણે ડેમના દરવાજા ખુલ્લા મૂકાયા પછી પાણીનો
ઘસમસતો પ્રવાહ શરૃ થઈ જાય એવો ધસારો થયો હતો. આ બધાને સ્મશાનની સામેના ગાર્ડનમાં
ઊભા રાખી દેવામાં આવ્યા હતા. ત્યાંથી તેમણે એમના ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ
પછી ભીડને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ બની
જતા એક જૂથને દૂર જ અટકાવવામાં આવતા થોડી નારાજી વ્યાપી હતી.
રાજકારણીઓ
અને કોર્પોરેટ જગતના અગ્રણીઓ સહિત વિવિધ ક્ષેત્રોના હજારોની સંખ્યામાં લોકો આજે સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટાને
શ્રદ્ધાંજલિ આપવા માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોમગ આર્ટ્સ (એન.સી.પી.એ)ખાતે ઉમટી
પડયા હતા.જેમની ઓળખ ઉદ્યોગના ટોચના આઇકોન હોવા ઉપરાંત પણ વધી ગઈ હતી.
બુધવારે રાત્રે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા રતન ટાટાના મૃતદેહને તેમના કોલાબાના ઘરે લઈ જવાયાબાદ થી તેમના પાથવદેહના અંતિમદર્શન માટે આજે નજીકમાં આવેલા નેશનલ સેન્ટર ફોર પર્ફોમગ આર્ટસ (એન સી પી એ)માં સફેદ ફૂલોથી શણગારીને લાવવામાં આવ્યો હતો.
કોલાબાના
તેમના નિવાસસ્થાનેથી એનસીપીએ ખાતે મૃતદેહને અંતિમ દર્શને લઈ જવા માટે ગાડી નીકળી
ત્યારે મુંબઈ પોલીસનાં બેન્ડે ખાસ વિદાયધૂનની સૂરાવલિઓ સાથે પ્રયાણ કરતાં સમગ્ર
વાતાવરણ ભારે ગમગીન બની ગયું હતું.
એનસીપીએ
ખાતે ત્રિરંગામાં વીંટાળેલા તેમના પાર્થિવ દેહને એક પેટીમાં મૂકવામાં આવ્યો હતો.
શરદ પવાર, સુપ્રિયા
સૂળે, રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે કુમાર મંગલમ બિરલા, દીપક
પારેખ, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસ, આમિર ખાન, સહિતની અનેક હસ્તીઓ અંતિમ દર્શને ઉમટી હતી.
વિશેષ વાત એ હતી કે તેમને અંજલિ આપવા તથા અંતિમ દર્શન માટે હજારોની
સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉમટી પડયા હતા. મુંબઈના ડબ્બાવાળા, ટાટા જૂથની સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ, ટાટા
જૂથમાં કામ કરી ચૂકેલા નિવૃત્ત લોકો અને ટાટા જૂથની હોસ્પિટલોમાં સારવાર લઈ સાજા
થઈ ચૂકેલા લોકો પણ તેમને અંજલિ આપવા માટે ખાસ આવ્યા હતા.
ક્રિકેટ
સચિન તેંડુલકર આજે તેમનો પાર્થિવ દેહ એનસીપીએ ખાતે લવાય તે પહેલાં જ તેમના કોલાબા
ખાતેના ઘરે પહોંચ્યો હતો. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગઈ રાતે હોસ્પિટલ ખાતે પણ
પહોંચ્યા હતા અને આજે તેમનાં પત્ની નીતા અંબાણી સાથે એનસીપીએ ખાતે પણ આવ્યા હતા.
મહારાષ્ટ્રના
સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ અજિત
પવાર સહિત ઉચ્ચ નેતાઓ, અધિકારીઓ તમામ એનસીપીએ ખાતે હાજર હતા.
દિવસભર
ભારે ધસારાના કારણે મરીન ડ્રાઈવ તથા નરીમાન પોઈન્ટના કેટલાક ભાગોમાં ટ્રાફિક
પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા . મહારાષ્ટ્ર સરકારે આજે એક દિવસનો શોક જાહેર
કર્યો હતો.
ટાવર
ઓફ સાયલન્સને બદલે વિદ્યુત-દાહિનીમાં અંતિમ સંસ્કાર
સામાન્ય
રીતે પારસીઓમાં મૃત્યુ પછી ટાવર ઓફ સાયલન્સ (દખમા)માં વ્યકિતનો મૃતદેહ રાખવામાં આવે
છે અને ગીધ તેનું ભક્ષ્ણ કરે છે. જો કે છેલ્લા થોડા વર્ષો દરમ્યાન આ અંતિમવિધિમાં પરિવર્તન
આવ્યું છે. જે પારસી-ઝોરાસ્ટ્રીયન ટાવર ઓપ સાયલન્સમાં અગ્નિદાહ કરવા ન માગતા હોય તેમને
માટે મુંબઈ મહાપાલિકા તરફથી વરલી સ્મશાનભૂમિમાં
પ્રેયર હોલ બાંધવામાં આવ્યો છે. આ પ્રેયર હોલમાં પારસી ધર્મગુરુ તરફથી પ્રાર્થના
અને મરણોત્તર વિધિ કરાવામાં આવ્યા પછી ઈલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં અગ્નિદાહ આપવામાં
આવે છે. સદ્ગત રતન ટાટાની અંતિમ ઈચ્છા આ જગ્યાએ અંતિમ-સંસ્કાર કરવામાં આવે એવી હતી.
એટલે વરલીમાં અંતિમ-વિધિ કરવામાં આવી હતી.
૨૧
ગનના ધડાકા સાથે નારા ગાજ્યા,
રતન ટાટા અમર રહે, અમર રહે
સામાન્ય
રીતે કોઈ મોટા હસ્તીનું નિધન થાય ત્યારે પોતાની મોટાઈ દેખાડવાવાળા વીઆઈપીઓ ઉમટતા હોય
છે તેમ જ રાજકીય પક્ષોના છાપેલા કાટલા જેવાં કાર્યકરો પહોંચી જતા હોય છે.
પરંતુ
આજે રતન ટાટાના અંતિમ-સંસ્કાર વખતે વધુમાં વધુ ભીડ સામાન્ય વર્ગના લોકો અને
વિદ્યાર્થીઓની હતી. ટિફિનવાળા,
ટાટાની કંપનીઓમાં નોકરી કરવાવાળા, હોટલના
વેઈટરોથી માંડીને ફેરિયાઓ તેમ જ ટાટાની હોસ્પિટલોમાં સારવાર લઈને સાજા થયા હોય
એવાં અસંખ્ય લોકો તેમને નવું જીવન આપનારા સાક્ષાત ભગવાન જેવાં રતન ટાટાના છેલ્લી
વાર દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. જ્યારે પોલીસની ૨૧ ગન સેલ્યુટના ધડાકાથી
સ્મશાન પરિસર ગાજી ઉઠયું તેની સાથે જ ભીડમાંથી ગગનભેદી નારા સંભળાયા હતા 'રતન ટાટા અમર રહે... અમર રહે...