રતન ટાટા બોલીવૂડમાં પ્રોડયૂસર પણ બન્યા હતા, પરંતુ ફિલ્મ ફલોપ ગઈ
2004માં ઐતબાર નામની ફિલ્મ બનાવી હતી
અમિતાભ બચ્ચન ઉપરાંત તે વખતની હિટ જોડી જ્હોન અને બિપાશા જેવા કલાકારો હતા
મુંબઈ : રતન ટાટાએ ઉદ્યોગ જગતમાં અનેકવિધ ક્ષેત્રોમાં રોકાણ કર્યું અને સફળતા મેળવી હતી. જોકે, બોલીવૂડમાં તેમણે એક વાર રોકાણ કર્યું ત્યારે તેમના હાથ દાઝયા હતા. તેમણે પ્રોડયૂસ કરેલી ફિલ્મ 'ઐતબાર' ફલોપ ગઈ હતી.
ઉદ્યોગ-વેપારમાં ભાગ્યે જ એવું કોઈ ક્ષેત્ર હશે જેમાં ટાટા ગૂ્રપને સફળતા ન મળી હોય. પરંતુ, ટાટા જૂથ બોલીવૂડથી દૂર જ રહ્યું હતું. જોકે, ૨૦૦૪માં પહેલીવાર ટાટા જૂથ બોલીવૂડમાં દાખલ થયું હતું. ૨૦૦૪માં રતન ટાટાએ 'ઐતબાર' ફિલ્મમાં રોકાણ કર્યું હતું. તેઓ વિક્રમ ભટ્ટ દ્વારા બનાવાયેલી રોમાન્ટિક થ્રીલર ફિલ્મ 'ઐતબાર'માં સહ નિર્માતા તરીકે જોડાયા હતા. આ ફિલ્માં અમિતાભ બચ્ચન ઉપરાંત જ્હોન અબ્રાહમ અન બિપાશા બસુની જોડ ીહતી. તે જ અરસામાં 'જિસ્મ' ફિલ્મ હિટ ગઈ હતી અને તેના કારણે જ્હોન અને બિપાશાની જોડી ચર્ચામાં હતી. આ ફિલ્મ ૧૯૯૬માં આવેલી હોલીવૂડની થ્રીલર ફિલ્મ 'ફિઅર' પર આધારિત હતી. ટાટા બીએસએસના બેનર હેઠળ આ ફિલ્મ બનાવાઈ હતી.
જોકે, નવ કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મ પહેલાં જ વીકથી બોક્સ ઓફિસ પર ધોવાઈ ગઈ હતી. તેની કમાણી પાંચ કરોડથી પણ ઓછી રહી હતી. સમય જતાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર તેની કુલ કમાણી માંડ આઠ કરોડે પહોંચી હતી.
આ એક જ અનુભવ પછી રતન ટાટાએ બોલીવૂડથી ફરી અંતર બનાવી લીધું હતું અને ક્યારેય કોઈ ફિલ્મ પ્રોડયૂસ કરી ન હતી.