રશ્મિકા મંદાનાનો ડીપ ફેક વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
રશ્મિકા મંદાનાનો ડીપ ફેક વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ 1 - image


વીડિયો રિમૂવ કરવા કેન્દ્રની સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી 

મુંબઈ :  ડીપ ફેકની ભયાનક વાસ્તવિકતા હવે ઉજાગર થઈ રહી છે. એક બ્રિટિશ ઈન્ફ્લુએન્સર ઝારા પટેલના મૂળ વીડિયોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એડિટિંગ કરી તેના સ્થાને રશ્મિકા મંદાનાનો ચહેરો ગોઠવી દેઈ વાયરલ કરાતાં ભારે હાહાકાર મચી ગયો છે. સામાન્ય યૂઝર્સને તો આ વીડિયો રશ્મિકાનો જ હોવાનું લાગે તે રીતે વીડિયો મોર્ફ કરાયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ રશ્મિકાએ પોતે ભારે ડરી ગઈ હોવાનું જણાવ્યું છે. અમિતાભ બચ્ચને પણ ડીપ ફેક વીડિયો બાબતે ભારે ચિંતા વ્યક્ત કરી આ બાબતે કાનૂની પગલાં ભરવા જણાવ્યું હતું. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ આ ડીપ ફેક વીડિયોની ગંભીર નોંધ લઈ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તે તત્કાળ રિમૂવ કરવાનો આદેશ આપ્યો હતો. 

બ્રિટિશ ઈન્ફ્લુએન્સર ઝારા પટેલના મૂળ વીડિયોમાં એઆઈ દ્વારા એડિટિંગઃ  રશ્મિકા ખુદ ડરી ગઈઃ  કાનૂની પગલાંની અમિતાભની માંગ 

આ વીડિયોમાં પહેલી નજરે એવું જોવા મળે છે કે રશ્મિકા ેએકદમ બોલ્ડ અને એક્સપોઝિંગ કરતાં બ્લેક કરના ડીન નેક ટાઈટ જિમ વેરમાં લિફ્ટની અંદર આવે છે. રશ્મિકાનો આ વીડિયો જોતાં પહેલાં તો તેના ચાહકો નારાજ થયા હતા અને તેણે આવાં વસ્ત્રોમાં એક્સ્પોઝ કેમ કર્યું તેવી ટિપ્પણી કરવા લાગ્યા હતા. 

જોકે, થોડા સમયમાં જ એ પ્રગટ થયું હતું કે વાસ્તવમાં આ વીડિયો ડીપ ફેક વીડિયો છે. મૂળ બ્રિટિશ-ભારતીય  ઈન્ફ્લુએન્સર ઝારા પટેલનો ઓરિજિનલ વીડિયો પણ બાદમાં વાયરલ થયો હતો. તે અનુસાર ઝારા પટેલના ચહેરા પર રશ્મિકાનો ચહેરો સિફ્તથી ઓવરલેપ કરી દેવાયો છે. એટલી કુશળતાથી એડિટિંગ કરાયું છે કે સામાન્ય યૂઝર તરત જ થાપ ખાઈ જાય . 

રશ્મિકાએ બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે આ વીડિયો જોઈ પોતે ખરેખર બહુ ડરી ગઈ છે. રશ્મિકાએ કહ્યું હતું કે ટેકનોલોજીના આવા દુરુપયોગથી કોઈને પણ શિકાર બનાવી શકાય છે. હું તો એક એક્ટર છું અને સેલિબ્રિટી છું એટલે મારા માટે કદાચ આ સ્થિતિમાંથી પસાર થવાનું સરળ છે પરંતુ કોઈ સામાન્ય મહિલા સાથે આવું થાય તો તેણે ભારે યાતના વેઠવી પડે તેમ છે. હું કોઈ  સ્કુલ કોલેજની વિદ્યાર્થિની હોત તો કેવી રીતે આ સ્થિતિનો સામનો કરત તેની  કલ્પના પણ થઈ શકે તેમ નથી. આઈડેન્ટિટિ થેફ્ટની આવી ઘટના અંગે પગલાં લેવાવાં જ જોઈએ. 

સંખ્યાબંધ સેલિબ્રિટીઓએ રશ્મિકાની ચિંતામાં સૂર  પુરાવ્યો હતો. અમિતાભ બચ્ચને પણ એક પોસ્ટ કરતાં કહ્યું હતું કે આ ખરેખર બહુ ચિંતાજનક બાબત છે. આવા વીડિયો બાબતે કાનૂની પગલાં ભરાવાં જ જોઈએ. 

ઈન્ટરનેટ પર ભારે ઉહાપોહ બાદ કેન્દ્રના આઈટી મિનિસ્ટર રાજીવ ચન્દ્રશેખરે એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ વીડિયોની ગંભીર નોંધ લીધી છે. દેશના આઈટી કાનૂન અનુસાર તમામ  સોશિયલ મીડિયા કંપનીઓએ આ વીડિયો તત્કાળ  રિમૂવ કરવો જોઈએ.  એપ્રિલ ૨૦૨૩નાં આઈટી નિયમો અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની  કાનૂની જવાબદારી છે કે તેઓ કોઈપણ પ્રકારના  અપપ્રચાર કે ફેક ન્યૂઝને ફેલાતા અટકાવે અને તેવી સામગ્રી તત્કાળ પોતાનાં પ્લેટફોર્મ પરથી દૂર કરે. 

ડીપ ફેક શું છે ?   બરાક ઓબામા પણ ભોગ બન્યા હતા

ડીપ ફેક એટલે કોઈપણ તસવીર કે વીડિયોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ચેડાં કરવાં. ફેક ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરવા માટે ડીપ ફેકનો આશરો લેવાય છે. એઆઈ દ્વારા ચેડાં થવાના કારણે અસલી અને નકલી વચ્ચનો ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે. કોઈપણ વ્યક્તિનો કોઈપણ પ્રકારના ફેક ે ફોટો, વીડિયો કે વોઈસ વાયરલ કરવો ડીપ ફેકની મદદથી આસાન થઈ ગયું છે. મૂળ મનોરંજન માટેની આ ટેકનિકના ભયાનક રાજકીય તથા ગુન્હાઈત દુરુપયોગ થઈ શકે છે. ગત અમેરિકી ચૂંટણી વખતે બરાક ઓબામા પણ ડીપ ફેકનો શિકાર બન્યા હતા. 

સામાન્ય વીડિયો એડિટિંગ કે ઈમેજ એડિટિંગની સરખામણીએ ડીપ ફેક વધારે એડવાન્સ્ડ  છે. ડીપ લર્નિંગ અને ફેક એ બંને શબ્દપ્રયોગોનાં સંયોજનથી રચાયેલો ડીપ ફેક શબ્દ કોઈપણ ઈમેજ કે વીડિયોમાં આર્ટિફિશિયિલ ઈન્ટેલિજન્સ થકી થયેલી બનાવટ કે ચેડાં સૂચવે છે. તેમાં વ્યક્તિનો ચહેરો , હાવભાવ, અવાજ, હિલચાલ બધું જ બનાવટી રીતે દર્શાવી શકાય છે. 


Google NewsGoogle News