બેટીંગ એપના કેસમાં રેપર બાદશાહની પોલીસ દ્વારા પૂછપરછ
ફેયર પ્લે નામનાં એપનું પ્રમોશન કર્યું હતું
બાદશાહ ઉપરાંત બોલીવૂડના 40 સેલિબ્રીટીઓ એપ કેસમાં રડાર પર
મુંબઇ : મહાદેવ એપના માલિકોની ઓનલાઇન બેટીંગ એપ 'ફેયરપ્લે'ના મામલે મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે આજે પ્રખ્યાત રેપર બાદશાહની પૂછપરછ કરી હતી. આ કેસમાં બાદશાહ ઉપરાંત બોલીવૂડના ૪૦ સેલિબ્રિટીઓ પોલીસ તપાસના દાયરામાં છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફેયરપ્લેએ ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ) ૨૦૨૩નું સ્ક્રીનિંગ કર્યું હતું . આઇપીએલ- ૨૦૨૩ પ્રસારણના અધિકાર નહીં હોવા છતાં પણ પ્રસારણ બાબતે તેની સામે ફરિયાદ થઈ હતી. બાદશાહ સહિતના સેલિબ્રિટીઓએ ફેયર પ્લે એપનું પ્રમોશન કર્યું હતું અને આ રીતે ગેરકાયદેસર પ્રસારણને ઉત્તેજન આપ્યું હતું.
આ સંદર્ભમાં મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે ડિજીટલ પાયરસી અને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટસ (આઇપીઆર) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે બાદશાહને સમન્સ આપવામાં આવતા તે આજે દક્ષિણ મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આવેલ મહારાષ્ટ્ર પોલીસની સાયબર સેલની ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયો હતો.
મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ ફેયર પ્લે ની માલિકી ધરાવે છે. આ સમગ્ર કેસમાં રણબીર કપૂર, સંજય દત્ત, હુમા કુરેશી, શ્રદ્ધા કપૂર , ટાઈગર શ્રોફ, સુનિલ શેટ્ટી સહિતના સેલિબ્રિટીઓ સુધી તપાસના તાર લંબાયા છે. તેમાંથી કેટલાય સામે આ એપના પ્રચાર બદલ તપાસ થઈ રહી છે. જ્યારે કેટલાય સેલિબ્રિટીઓ પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજરી આપવા તથા પરફોર્મન્સ આપવા ગયા હતા તે અંગે તપાસ થઈ રહી છે. આ લગ્નનો સમગ્ર ખર્ચ તથા સેલિબ્રિટીઓને અપાયેલી ફી વગેરેમાં હવાલાથી વ્યવહાર થયાની શંકા છે.