Get The App

રણવીરની માતાપિતા વિશે બિભત્સ ટિપ્પણીથી વિવાદ વંટોળ

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
રણવીરની માતાપિતા વિશે બિભત્સ ટિપ્પણીથી વિવાદ વંટોળ 1 - image


- સમય રૈનાના કોમેડી શોમાં માતાપિતાની જાતીય પ્રવૃત્તિ નિહાળવા અંગે સવાલથી દેશભરમાં આક્રોશ

- સોશિયલ મીડિયા એક કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવનાર યુ ટયુબરની ટિપ્પણી પર વિવાદનો ચરુ ઉકળ્યા બાદ મુંબઈ પોલીસ અને માનવ અધિકાર પંચને પણ ફરિયાદ, યુ ટયૂબ સામે પણ પગલાંની ડિમાન્ડ, આઈટીની સંસદીય કમિટીમાં મુદ્દો ઉઠાવાશે

- ભદ્દી ટિપ્પણીમાં સામેલ થવા બદલ આશિષ ચંચલાણી, જસપ્રીત, અપૂર્વા સહિતના કન્ટેન્ટ ક્રિએટર્સ પણ નિશાન પર  

મુંબઇ : સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાના યુ ટયુબ રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં સ્પર્ધકોને મહેમાન તરીકે આવેલાં દેશના સૌથી ટોચના યુ ટયુબર્સમાંના એક રણવીર અલ્હાબાદિયાએ માતાપિતાની જાતીય પ્રવૃત્તિ વિશે બિભત્સ સવાલ કર્યો હતો. જેને પગલે શોમાં હાજર કન્ટેટ ક્રિયેટર્સ આશિષ ચંચલાણી, જસપ્રીતસિંહ અને અપૂર્વા મુખીજા ઉર્ફે રિબેલ કીડ તથા ઓડિયન્સે તાળીઓ પાડી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર રાજનેતાઓ, કન્ટેન્ટ ક્રિએટર્સ, ઈન્ફ્લુએન્સર્સ તથા અન્ય લોકોએ કોમેડીના નામે ગંદી માનસિકતાનાં પ્રદર્શન બદલ રણવીર સહિતની ટીમની આકરી ઝાટકણી કાઢી હતી. અતિશય ગલીચ, બેહુદી અને બિભત્સ ટિપ્પણી બદલ રણબીર અલ્હાબાદિયા સામે મુંબઈ પોલીસને ફરિયાદ અપાતાં પોલીસે તપાસ શરુ કરી હતી. આ મુદ્દે માનવ અધિકાર પંચને પણ રજૂઆત થઈ છે અને યુ ટયૂબ સામે પગલાંની ડિમાન્ડ પણ થઈ રહી છે. દેશની આઈટી મંત્રાલયની પાર્લામેન્ટરી કમિટીમાં પણ આ મુદ્દો ઉઠાવાશે. 

 મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય સંખ્યાંબંધ આગેવાનોએ આ મામલે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી આ કોમેન્ટ કરનારા રણવીર અલ્હાબાદિયા ઉર્ફે બિયર બાયસેપ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવતાં ફફડી ગયેલાં અલ્હાબાદિયાએ તરત જ આ મામલે માફી માંગી લીધી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે આ કોમેન્ટ પણ રણવીર અલ્હાબાદિયાએ અન્ય એક શો ઓજી ક્રુમાંથી પખવાડિયા અગાઉ ચોરી હોવાનો વિડિયો પણ સોશ્યલ મિડિયા પર મુકવામાં આવ્યો છે. જેને પગલે લોકોએ જણાવ્યું હતું કે આ સરતચૂક નથી પણ આયોજન કરી કરવામાં આવેલી બિભત્સ જોક છે. 

  એક્સ પર છ લાખ અને ઇન્સ્ટાગ્રામ પર ૪૫ લાખ ફોલોઅર્સ ધરાવતાં અને તેની યુ ટયુબ ચેનલ પર એક કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ ધરાવતાં અલ્હાબાદિયાની આ કોમેન્ટ વાઇરલ થઇ જતાં તેને પગલે મોટો વિવાદ સર્જાયો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે જણાવ્યું હતું કે મેં આ ક્લિપ જોઇ નથી પણ હું જણાવવા માંગુ છું કે દરેક જણને અભિવ્યક્તિ સ્વાંતંત્ર્ય  છે પણ જ્યારે આપણે બીજાના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને કચડીએ તો એ સ્વતત્રતા ત્યાં પુરી થઇ જાય છે. આપણાં સમાજના નિયમનો કોઇ ભંગ કરે તો તેની સામે પગલાં લેવામાં આવશે.દરેક જણની એક હદ હોય છે જો કોઇ તે વટાવશે તો તેને અમે છોડીશું નહીં.  

અલ્હાબાદિયાની  કોમેન્ટ સામે વાંધો લઇ બે વકીલો આશિષરાય અને પંકજ મિશ્રાએ મુંબઇ પોલીસ સમક્ષ ફરિયાદ કરી તેના વિધાનને અશ્લીલ ગણાવી તે મહિલાઓ માટે અપમાનજનક હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં જણાવાયું હતું કે આવી વાંધાજનક ટિપ્પણીઓ કરી બાળકોના મનમાં તેમના માતાપિતા વિરૂદ્ધ બિભત્સ વિચારો રોપવામાં આવે છે. આવા નિવેદનો એકમાત્ર નાણાં કમાવવાના આશયથી કરવામાં આવે છે. 

શિવસેના  યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે  હું આ મુદ્દો આઇટીની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ઉભો કરીશ. કોમેડી તરીકે  સાવ બિભત્સ સામગ્રી પીરસવામાં આવે છે.મને લાગે છે કે બોલવાના મામલે કોઇ મર્યાદા લાદવી જોઇએ. રણવીર અલ્હાબાદિયા દ્વારા વાપરવામાં આવેલી ભાષાને કોમેડી પેનલ પરના અન્યો દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી જે ચલાવી લઇ શકાય નહીં.

આ મામલે  રાષ્ટ્રીય માનવાધિકાર પંચની સભ્ય પ્રિયંક કાનુનગોએ જણાવ્યું હતું કે મેં યુ ટયુબની પોલિસી હેડ મીરા ચટ્ટને પત્ર લખી આ વિડિયો યુટયુબ પરથી હટાવવા તાકીદે પગલાં લેવા જણાવ્યું છે. આ મામલે દસ દિવસમાં પોલીસ દ્વારા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવશે. 

૩૧ વર્ષીય અલ્હાબાદિયાએ એકસ પર માફી માંગતા જણાવ્યું હતું કે મારી કોમેન્ટ અયોગ્ય અને રમુજી પણ નહોતી.મને  કોમેડી આવડતી નથી. હું  માત્ર સોરી કહેવા આવ્યો છું. આ વિડિયો બનાવનારા આ હિસ્સાને કાઢી નાંખવા જણાવ્યું છે. મને આશા છે કે તમે મને માણસ ગણી માફ કરી દેશો.

વારંવાર વિવાદો સર્જનારા રણવીરને પીએમના હસ્તે એવોર્ડ અપાયો હતો

રણવીર અલ્હાબાદીયિાનાં ગયાં વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ક્રિએટર એવોર્ડ અપાયો હતો. લોકસભા ચૂંટણી પહેલાં તેણે ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરી સંખ્યાબંધ કેબિનેટ પ્રધાનોના ઈન્ટરવ્યૂ પણ કર્યા હતા. 

બીજી જુન ૧૯૯૩ના રોજ જન્મેલાં રણવીરે ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડીજે સંઘવી કોલેજ ઓફ એન્જિનિયરીંંગમાં ભણ્યો છે. તેણે ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે. ૨૦૨૧માં તેણે યુવતીઓના પહેરવેશ કુર્તી વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી. ૨૦૧૩માં તેના પોડકાસ્ટમાં તેણે એક વકીલને કોણે ભારત દેશ છોડી દેવો જોઇએ તેમના નામઆપવા જણાવ્યું હતું. વકીલે પત્રકાર બરખાદત્ત, ઇતિહાસકાર રોમિલા થાપર અને ઇરફાન હબીબે દેશ છોડી દેવો જોઇએ તેમ જણાવ્યું હતું. આ વિડિયો વિશે પણ વિવાદ થયો હતો પણ તેને તેની યુ ટયુબ ચેનલ પરથી હટાવવામાંઆવ્યો નહોતો. ૨૦૧૪માં કેરળના મલ્લાપુરમમાં એક ગામમાં ઇસ્લામિક કાયદાનું પાલન કરવામાં આવે છે તેવો દાવો કરી હોબાળો મચાવ્યો હતો.વળી તે તેના પોડકાસ્ટમાં વારંવાર મૌત કે બારે મેં સોચતે હો એવો સવાલ કરે જ છે. ગયા વર્ષે તે ગોવામાં તેની ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં નહાવા પડયો ત્યારે માંડ માંડ બચ્યો હતો. તેણે ઓક્ટોબર ૨૦૨૪માં ઇસરોના તત્કાલીન ચેરમેન એસ સોમનાથને પણ  એલિયન્સ વિશે ઉટપટાંગ સવાલો કર્યા હતા.

ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ સામે અશ્લીલતા ફેલાવવા બદલ દેશની કોર્ટોમાં ફરિયાદ

- યુટયુબર રણવીર,કોમેડીયન  સમય રૈના તથા ચંચલાની સામે ફોજદારી પગલાંની માગ

મુંબઈ : 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના તાજેતરના શોમાં વિવાદાસ્પદ ટિપ્પણી મારફત અશ્લીલતા અને બિભત્સ્યતા ફેલાવવા બદલ શોના આયોજકો સહિત યુટયુબર રણવીર અલ્લાહબાદિયા ઉર્ફે  બીયરબાઈસેપ્સ, કોમેડિયન સમય રૈના અને યુટયુબર આશિષ ચંચલાની સામે ફોજદારી પગલાં લેવાની દાદ માગતી અરજી સામાજિક કાર્યકર નિખિલ રુપારેલે વકિલ અલી કાશિફ ખાન દેશમુખ મારફત બાંદરા મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરી છે. વારંવાર આવી ભાષાનો પ્રયોગ અપમાનીત વર્તનને સામાન્ય ગણાવી શકે છે, પરસ્પર સમ્માન લુપ્ત થશે અને યુવા પેઢીને તેમના શબ્દોના પરિણામ પ્રત્યે અસંવેદનશીલ બનાવશે. આથી દુશ્મનાવટ અને આક્રોશનો માહોલ  નિર્માણ થશે, એમ ફરિયાદમાં જણાવાયું છે. આ ઇન્ફ્લુએર્ન્સ સામે આસામ સહિત દેશની વિવિધ કોર્ટોમાં ફરિયાદો થઇ છે. 


Google NewsGoogle News