બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં નવો વળાંક, સાળો રણજીત બિન્દ્રા શંકાના દાયરામાં, તપાસ એજન્સી એક્ટિવ!
Baba Siddiqui News | મુંબઈમાં અજીત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં કોણે સોપારી આપી એ સવાલ ઘુમરાઈ રહ્યો છે ત્યારે સિદ્દીકીની હત્યાના કેસમાં એક પેમ્ફ્લેટની ભારે ચર્ચા છે. આ પેમ્ફ્લેટમાં બાબા સિદ્દીકીના એક દુબઈમાં રહેતા અબજોપતિ સગાનો ઉલ્લેખ છે. બાબા સિદ્દીકીના સાળા રણજીત બિન્દ્રાના બિઝનેસ ડીલના કારણે બાબા સિદ્દીકીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે. પેમ્ફલેટની ટોચ પર આ બિઝનેસમેનનો ફોટોગ્રાફ છપાયેલો છે.
બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય આરોપીની ઓળખ 21 વર્ષીય મોહમ્મદ ઝીશાન અખ્તર તરીકે થઈ છે. જીશાન પંજાબનો છે. મુંબઈ પોલીસે તેને શોધવા ટીમો બનાવી છે પણ એ ફરાર છે.
પોલીસ અત્યારે એ પેમ્ફ્લેટ કોણે છપાવડાવ્યું તેની તપાસ કરી રહી છે. આ તપાસના છેડા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સુધી પહોંચતા હોવાનું મનાય છે. આ અબજોપતિ સગાએ ભારતમાંથી મોટા પ્રમાણમાં રકમો વિદેશની બેંકોમાં ટ્રાન્સફર કરી હોવાનો ઉલ્લેખ હતો. આ પેમ્ફ્લેટમાં ચેતવણી અપાઈ હતી કે, જે કોઈ આ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની લેવડદેવડ કરશે તે પોતાના જોખમે કરશે.
બાબા સિદ્દીકીનો સાળો રણજીત બિન્દ્રા દાઉદ ઈબ્રાહીમ ગેંગના ગેંગસ્ટર ઈકબાલ મિર્ચીના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. તેના પર મુંબઈમાં જુગારના અડ્ડા સાથે સંબંધ હોવાનો પણ આરોપ છે. પેમ્ફલેટ એમ કહીને સમાપ્ત થાય છે કે 'ઉપરોક્ત વ્યક્તિ સાથે કોઈપણ નાણાકીય વ્યવહાર કરતી કોઈપણ વ્યક્તિ તે પોતાના જોખમે કરી શકે છે.
રણજીત બિન્દ્રા સિવાયના બાબા સિદ્દીકનાં અન્ય સગાં પર પણ મની લોન્ડરિંગનો આરોપ છે. બાબાના સાળા રણજીત બિન્દ્રાની ઇડી દ્વારા પૂછપરછ કરાઈ હતી. ઇકબાલ મિર્ચી મની લોન્ડરિંગ કેસમાં આરોપી રણજીત બિન્દ્રાની સોપારી આપવામાં કોઈ ભૂમિકા છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે.