રણદીપ હુડાનાં 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ લિન સાથે આજે લગ્ન
યુગલ ઈમ્ફાલ પહોંચ્યું, મંદિરમાં પૂજા કરી
સંગીત સહિતની લગ્ન પૂર્વેની વિધિઓ શરુ, મુંબઈમાં રિસેપ્શન યોજશે
મુંબઈ : ફિલ્મ અભિનેતા રણદીપ હૂડા તેનાથી ૧૦ વર્ષ નાની ગર્લફ્રેન્ડ લીન લૈશરામ સાથે આવતીકાલે લગ્ન કરશે. મણિપુરમાં સંપૂર્ણ ટ્રેડિશનલ રીતે લગ્ન પ્રસંગ યોજાવાનો છે.
રણદીપ અને લિનનાં લગ્ન પૂર્વે સંગીત અને મહેંદી સહિતની વિધિઓ આજે યોજવામાં આવી હતી. તે પૂર્વે આ યુગલ અહીં ગોવિંદજીના મંદિર ખાતે પહોંચ્યું હતું અને પૂજા વિધિ કરી ઈશ્વરના આશીર્વાદ મેળવ્યા હતા.
રણદીપે પોતાનાં લગ્ન માટે મણિપુરની થીમ પસંદ કરી છે. મહાભારતમાં અર્જુને અહીંની રાજકુમારી ચિત્રાંગદા સાથે જે વિધિ સાથે લગ્ન કર્યાં હતાં તે જ રીતે રણદીપ અને લીનનાં લગ્ન થશે. આ પ્રસંગે મણિપુરી નૃત્યની રમઝટ પણ મચશે. રણદીપ અને લીન સ્થાનિક પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થશે.
રણદીપે પોતે જાહેર કર્યા પ્રમાણે તે મુંબઈમાં રિસેપ્શન યોજવાનો છે. લગ્ન પ્રસંગમાં માત્ર પરિવારજનો તથા નજીકના મિત્રો જ સામેલ થશે.
રણદીપને લગ્નમાં બોલીવૂડમાંથી કોણ કોણ આવી રહ્યું છે તેવો સવાલ પૂછાતાં તેણે કહ્યું હતું કે બોલીવૂડમાંથી માત્ર મારી જ હાજરી હશે.