3 લાખનું ભાડું ચૂકવી 2.75 કરોડની 8 એસયુવી સાથે ફરાર

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
3 લાખનું ભાડું ચૂકવી 2.75  કરોડની 8 એસયુવી સાથે ફરાર 1 - image


ભાયંદરના ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ સાથે ઠગાઈ

કર્જતના રિસોર્ટ માલિક તરીકે દાવો કરી કાર ભાડે લીધી હતી, પહેલા મહિને ભાડું ચૂકવ્યું : રિસોર્ટને પણ તાળાં

મુંબઈ :  ભાયંદરના ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ પાસેથી મહિને ત્રણ લાખનાં ભાડાં પર આશરે પોણા ત્રણ કરોડ રુપિયાની કિંમતની વિવિધ આઠ કાર મેળવ્યા બાદ રિસોર્ટ માલિક ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર લોકેશ શાહે ભાયંદર પોલીસ મથકે આપેલી ફરિયાદ અનુસાર ગત  ૅજુલાઈમાં એક પરિચિત દ્વારા તેમને આરોપીનો સંપર્ક થયો હતો. આરોપીેએ દાવો કર્યો હતો કે તે કર્જતમાં રિસોર્ટ ચલાવેછે અને તેેને રિસોર્ટમાં ગેસ્ટને લાવવા લઈ જવા તથા ટૂર માટે એસયુવી કારની જરુર છે. 

બંને વચ્ચે ભાડાં આધારિત કરાર થયા હતા અને ફરિયાદીએ આરોપીને જુદી જુદી આઠ એસયુવી કાર  ઉપલબ્ધ કરાવી હતી. તે માટે મહિને ત્રણ લાખ રુપિયાનું ભાડું  ચૂકવવાનું નક્કી થયું હતું. 

પહેલા મહિને ફરિયાદીને ત્રણ લાખ રુપિયા મળ્યા પણ હતા. આથી તેમને વિશ્વાસ બેઠો હતો. જોકે, બીજા જ મહિનાથી ભાડાંની ચૂકવણી બંધ થઈ ગઈ હતી. ફરિયાદીએ વારંવાર સંપર્ક કરવા છતાં પણ આરોપી મળ્યા ન હતા. આથી ફરિયાદી કર્જતના રિસોર્ટના સરનામે પહોંચ્યા હતા પણ ત્યાં તો એ રિસોર્ટ જ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. 

ફરિયાદીને પોતે છેતરાઈ ગયા હોવાનો ખ્યાલ આવતાં તેમણે ફરિયાદ આપતાં પોલીસે  કલમ ૪૦૬ (વિશ્વાસનો ફોજદારી ભંગ) અને ૪૨૦ (છેતરપિંડી) હેઠળ ગુનો  નોંધી આરોપીની ભાળ મેળવવા પ્રયાસો શરુ કર્યા છે.



Google NewsGoogle News