બીએમસીમાં બેફામ ભ્રષ્ટાચારઃ ગેરકાયદે બાંધકામ ન તોડવા 2 કરોડની માંગ
અંધેરી ઈસ્ટના અધિકારી મંદાર તારીએ ડેવલપર પાસે લાંચ માગી
મંદાર તારી વતી 75 લાખનો પહેલો હપ્તો લેવા આવેલા 2 મળતિયા એસીબી દ્વારા રંગે હાથ ઝડપાયા
મુંબઈ :બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારી સામે પ્રોપર્ટી ડેવલપર પાસે રૃા. બે કરોડની લાંચ માંગવા બદલ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ કેસ નોંધ્યો છે. બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે માળ તોડી ન પાડવા ઓફિસરે પૈસાની માંગણી કરી હતી. લાંચના પ્રથમ હપ્તા તરીકે રૃા.૭૫ લાખ સ્વીકારવા આવેલા મંદાર તારીના બે મળતિયા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જોકે મંદાર તારી હજુ ખુદ ફરાર છે.
ે ફરિયાદી ડેવલપરે તેમની ચાર માળની બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે બે માળનું બાંધકામ કર્યું હતું. આ અનધિકૃત બાંધકામ સામે તોડકામની કાર્યવાહી ન કરવા અને ભવિષ્યમાં મદદ કરવાની ખાતરી આપી અંધેરી ઈસ્ટના કે વોર્ડના બિલ્ડિંગ એન્ડ ફેક્ટરી વિભાગના અધિકારી મંદાર તારીએ બિલ્ડર પાસે રૃા. બે કરોડની લાંચ માંગી હતી.
જો કે ડેવલપર આ રકમ આપવા માંગતા ન હોવાથી ૩૧ જુલાઈના એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
એસીબીની ટીમે મામલાની તપાસ કરતા આરોપી તારીએ લાંચની રકમના પહેલા હપ્તા તરીકે રૃા. ૭૫ લાખની માંગણી કરી હોવાનું માલૂમ પડયું હતું. આથી એસીબીના અધિકારીઓને આરોપીને પકડવા જાળ બિછાવી હતી.
આરોપી મંદાર તારી તરફથી લાંચના રૃા.૭૫ લાખ લેવા આવેલા એસ્ટેટ એજન્ટ મોહમ્મદ શેહજાદા મોહમ્મદ યાસિન શહા (ઉ.વ.૩૩) અને કોન્ટ્રાક્ટર પ્રતિક વિજય પિંસેને પૈસા લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.