અયોધ્યામાં 7 કરોડમાં રામાયણ વેક્સ મ્યુઝિયમ આકાર લેશે
વેક્સ મ્યુઝિયમ એપ્રિલ-મેમાં તૈયાર થઇ જશે
પ્રથમ તબક્કામાં રામકથાના વિવિધ પ્રસંગોને આવરી લેતાં દૃશ્યો મ્યુઝિયમમાં સાકાર કરાશે
મુંબઈ : અયોધ્યામાં રામ લલ્લા માટે ભવ્ય મંદિર તો તૈયાર છે જ પણ આગામી ચાર મહિનામાં સાત કરોડ રૃપિયાના ખર્ચે અયોધ્યામાં ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત મેડમ તુસાદના મીણની પ્રતિમાઓના વેક્સ મ્યુઝિયમની જેમ રામાયણના પાત્રોનું મીણની પ્રતિમાઓનું રામાયણ વેેક્સ મ્યુઝિયમ તૈયાર થઇ જશે. આ મ્યુઝિયમ બનાવવાનું ટેન્ડર મેળવનારાં મૂળ કેરળના વતની પણ લોનાવાલામાં સ્થાયી થયેલા સુનિલ, સુભાષ અને સુજીત કંડલ્લૂર બંધુઓ ભારતમાં મીણના સંગ્રહાલયો બનાવવા માટે જાણીતાં છે. તેમના મ્યુઝિયમો મહારાષ્ટ્રમાં લોનાવાલા, તમિલનાડુમાં કન્યાકુમારી અને કેરળમાં થેક્કડીમાં આવેલાં છે.
અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રામાયણ વેક્સ મ્યુઝિયમ બનાવવા માટે ગયા વર્ષે એપ્રિલમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ સાત કરોડ રૃપિયાનો પ્રોજેક્ટ સુનિલને મળ્યો હતો. સુનિલ કહે છે કે અમે મ્યુઝિયમના ટેન્ડર ભરનારાં એકલાં જ હતા. આથી સરકારે ફરી વાર ટેન્ડર બહાર પાડયું પણ ફરી વાર પણ અમે એકલા જ ટેન્ડર જ ભરનારાં પુરવાર થયા હતા. આ પ્રકારનું મ્યુઝિયમ બનાવવા માટે જે પ્રકારનું કૌશલ્ય જોઇએ તે અમારા સિવાય દેશમાં બીજું કોઇ ધરાવતું નથી. કંડલ્લૂર બંધુઓએ અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે જ તેમની મીણની પ્રતિમા બનાવી હતી.
બાવન વર્ષના સુનિલ કંડલ્લૂરે જણાવ્યું હતું કે અયોધ્યામાં એપ્રિલ-મે મહિનામાં આ મ્યુઝિયમ તૈયાર થઇ જશે. જેમાં સો જેટલી રામાયણના પાત્રોની હૂબહુ પ્રતિમાઓ હશે. પ્રથમ તબક્કામાં અમે રામકથાના ૩૦-૩૫ સીન બનાવવા માંગીએ છીએ. જેમાં સીતા સ્વયંવર, વનવાસ અને લંકા દહન જેવા પ્રસંગોને તાદ્ૃશ કરવામાં આવશે. આ રામાયણ વેક્સ મ્યુઝિયમમાં રામ-સીતા અને હનુમાનની આકર્ષક પ્રતિમાઓ હશે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ માટે અઢી એકર જમીન કંડલ્લૂર બંધુઓને ફાળવવામાં આવી છે જ્યાં હાલ આ મ્યુઝિયમનું કામ ચાલી રહ્યું છે.
સુનિલ કળાકાર છે અને તે મીણની પ્રતિમાઓ બનાવવામાં માહેર છે. તેના ભાઇઓ સુભાષ અને સુજિત મ્યુઝિયમના અન્ય પાસાંઓ સંભાળે છે. જેમાં તેનો વહીવટ તથા અન્ય સરકારી કામકાજોનો સમાવેશ થાય છે. સુનિલ કહે છે, અયોધ્યા મ્યુઝિયમ માટે અમે પ્રથમ ૮૦ પ્રતિમાઓ બનાવવાના છીએ. મારા મોડેલ્સ અને ચિત્રોને આધારે મારા પાંચ કારીગરો આ પ્રતિમાઓના બીબાં બનાવી રહ્યા છે. હું તેમને આખરી ઓપ આપી દરેકને રંગીન બનાવીશ. પ્રથમ તબક્કામાં અમે રામકથાના પ્રસંગોને આવરી લીધાં છે જેને દસ હજાર ચોરસ ફૂટમાં દર્શાવવામાં આવશે. એ પછી બીજા તબક્કામાં અમે કૃષ્ણકથા રજૂ કરવાનું વિચાર્યું છે.
કુલ સાત કરોડ રૃપિયાના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં જ પાંચ કરોડ રૃપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. છેલ્લા ચાર મહિનાથી સુભાષ અને સુનિલ અયોધ્યામાં જ રહીને આ મ્યુઝિયમની કામગીરીને આખરી ઓપ આપી રહ્યા છે.