બિશ્નોઈ-સલમાન પ્રકરણે રામ ગોપાલ વર્માની વિવાદાસ્પદ પોસ્ટ
સલમાન ખાને લોરેન્સને વળતી ધમકી આપવી જોઈએ
કાળિયાર પ્રકરણ સમયે લોરેન્સ માત્ર પાંચ વર્ષનો હોવાથી સલમાન સામે તેનો વેરભાવ પ્રાણીપ્રેમ હોવા વિશે શંકા
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ મહારાષ્ટ્રના રાજકરણી બાબા સિદ્દિકીની હત્યા પછી ફરી એકવાર જનતા અને મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. પોલીસે હજી લોરેન્સની સીધી સંડોવણીની પુષ્ટી નથી કરી પણ ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્મા સોશિયલ મીડિયા પોસ્ટ પર આ કેસ વિશે પોતાના મંતવ્યો સતત વ્યક્ત કરી રહ્યા છે. વર્માની અમુક પોસ્ટે તો ભારે વિવાદ પણ સર્જ્યો છે જેમાં તેણે સલમાનને લોરેન્સને વળતી ધમકી આપવાની સલાહ આપી હતી.
વર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે ૧૯૯૮માં સલમાનને સંડોવતા કાળિયારના શિકારની ઘટનાથી બિશ્નોઈને પ્રસિદ્ધિ મળી. તેણે સલમાનની કોર્ટની સુનાવણી દરમ્યાન જાહેરમાં હત્યાની ધમકી આપી હતી. ૨૦૨૩માં સલમાનના ઘરની બહાર ગોળીબાર કરાયા હતા જેમાં પણ બિશ્નોઈ ગેન્ગના સભ્યો સામેલ હોવાનો આરોપ મુકાયો હતો.
વર્માએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે કાળિયારના શિકારની ઘટના બની ત્યારે બિશ્નોઈ માત્ર પાંચ વર્ષનો હતો. હવે ૨૫ વર્ષ પછી તે કહે છે કે તેના જીવનનું ધ્યેય સલમાનની હત્યા કરવાનું છે. વર્માએ સવાલ ઉપસ્થિત કર્યો છે કે આ પ્રાણીપ્રેમ છે કે પછી કોઈ અન્ય બાબત છે. વર્માએ સોશિયલ મીડિયા દ્વારા એવી પણ ઈચ્છા વ્યક્ત કરી કે હવે સલમાન ખાને બિશ્નોઈને વળતી ધમકી આપવી જોઈએ નહિતો તેના ચાહકો તેને કાયર સમજી લેશે.
રામ ગોપાલ વર્માએ પોતાની પોસ્ટમાં બિશ્નોઈના દેખાવની પ્રશંસા કરતા લખ્યું છે કે અન્ય ગેન્ગસ્ટરો કરતા તે વધુ દેખાવડો છે. આગળ લખ્યું છે કે વકીલમાંથી ગેન્ગસ્ટર બનેલા બિશ્નોઈને કાળિયારના મોતનો બદલો સુપરસ્ટારની હત્યા કરીને લેવો છે અને તેના માટે તેણે ફેસબૂક દ્વારા નિયુક્ત કરેલી ૭૦૦ સભ્યોની ગેન્ગને પહેલા સ્ટારના નજીકના રાજકરણી મિત્રની હત્યા કરવાના આદેશ આપી દીધા હતા. નવાઈની વાત છે કે મુંબઈની પોલીસ હજી તેનો તાબો નથી મેળવી શકતી કારણ કે તે અન્ય જેલમાં સરકારની સુરક્ષા હેઠળ છે અને તેનો પ્રવક્તા વિદેશમાંથી નિવેદનો આપે છે. કોઈ બોલીવૂડ લેખક આવી વાર્તા લખશે તો લોકો આવી વાર્તાને વિચિત્ર અને અવિશ્વસનીય કહીને ફગાવી દેશે.
રામ ગોપાલ વર્માની આ કેસ વિશે એક પછી એક પોસ્ટે ભારે વિવાદ સર્જ્યો છે.