રામગોપાલ વર્મા પાસે ચૂકવણીની તક હતી છતાં પૈસા ન આપ્યાઃ કોર્ટ
ચેક બાઉન્સના કેસમાં અદાલત દ્વારા નિરીક્ષણ
ચૂકવણીના ઈરાદા વિના જ ચેક જારી કરી દેવાનું વલણ રોકવા ત્રણ માસની કેદની સજાઃ કોર્ટનો વિસ્તૃત ચુકાદા
મુંબઈ - પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માને ચેક બાઉન્સ થવાના કેસમાં ત્રણ મહિનાની જેલની સજા સંભળાવતા મુંબઇની એક કોર્ટે કહ્યું કે તેમને ચૂકવણી કરવા માટે પૂરતી તક આપવામાં આવી હતી અને ચેકેની રકમની ખરેખર ચૂકવણી કરવાના ઈરાદા વિના અમસ્તા જ ચેક જારી કરી દેવાનાં વલણને રોકવા માટે આ સજા જરુરી હતી. વર્માને ૨૧ જાન્યુઆરીએ અંધેરી જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) વાયપી પૂજારી દ્વારા નેમોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટસ એકટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. શુક્રવારે આદેશ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
કોર્ટે વર્માને ત્રણ મહિનામાં ફરિયાદીને રૃા. ૩.૭૨,૨૧૯ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. બીજી તરફ વર્માએ સજા સ્થગિત કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ૨૧ જાન્યુઆરીએ આદેશ પસાર કરવામાં આવ્યો ત્યારે વર્મા હાજર ન હતા. પરંતુ મેજિસ્ટ્રેટે કહ્યું કે આરોપીની ગેરહાજરીમાં દોષિત ઠેરવવાનો ચુકાદો આપવો ગેરકાયદેસર રહેશે નહીં. કેમ કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી)ની જોગવાઇઓ તેને મંજૂરી આપે છે.
જ્યારે આરોપી બચાવ માટે પોતાના અધિકારોનો ઉપયોગ કરવાને બદલે વિલંબ કરવા માટે તૈયાર હોય ત્યારે આરોપીની ગેરહાજરીમાં દોષિત ઠેરવવાનો ચૂકાદો આપવાનું મને ન્યાયસંગત અને યોગ્ય લાગ્યું. આરોપીને ફરિયાદીની નોટિસથી ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી ચેકની ચૂકવણી કરવાની પૂરતી તક આપવામાં આવી છે પરંતુ આરોપી તે કરવ ામાં નિષ્ફળ ગયો હતો એમ આદેશમાં કહેવામાં આવ્યું છે.
મેજિસ્ટ્રેટે આદેશમાં જણાવ્યું હતું કે ચેક આપવાના ઇરાદા વિના ચેક આપવાની માનવીય વૃત્તિને રોકવા માટે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટનો લાભ આપવાને બદલે આરોપી પર સજા લાદવી જરૃરી છે. પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ ગુનેગારોને પ્રોબેશન પર અથવા યોગ્ય ચેતવણી પછી અને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ માટે મુક્ત કરવાની મંજૂરી આપે છે.
ફરિયાદીની કંપનીએ જણાવાયું હતું કે આરોપીની વિનંતી પર કંપનીએ ફેબુ્રઆરી ૨૦૧૮થી માર્ચ ૨૦૧૮ વચ્ચે હાર્ડ ડિસ્ક પૂરી પાડી હતી. ત્યારબાદ રૃા. ૨,૩૮,૨૨૦ ટેક્સ ઇન્વોઇસ એકત્ર કરવામાં આવ્યા હતા. સોગંદનામા મુજબ આરોપીએ તે વર્ષે પહેલી જૂને ફરિયાદીને એક ચેક આપ્યો હતો. જે અપૂરતી રકમને કારણે રદ્દ કરવામાં આવ્યો હતો જ્યારે ડ્રોઅર દ્વારા ચૂકવણી અટકાવવામાં આવતા તે જ રકમનો બીજો ચેક પણ રદ કરવામાં આળ્યો હતો.
આવી ફરિયાદી પાસે કાનૂની પગલા લેવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો ન હતો. અને ૨૦૧૮માં વર્માની કંપની સામે ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, એમ સોગંદનામામાં જણાવાયું છે. વર્માને ૨૦૨૨માં આ કેસમાં રૃા. પાંચ હજારના જામીન આપવામાં આળ્યા હતા.
વર્માએ દાવો કર્યો હતો કે ચેક પર તેની સહી નથી અને તે તેમના દ્વારા જારી કરવામાં આળ્યો નથી. મેજિસ્ટ્રેટે આ દાવાને નકારી કાઢયો હતો અને કહ્યું હતું કે તેમને સંભવિત બચાવ માટે આરોપી દ્વારા કોઇ પુરાવા આપવામાં આવ્યા નથી. વધુમાં આરોપીએ ફરિયાદી દ્વારા જારી કરાયેલ ડિમાન્ડ નોટિસનો જવાબ આપ્યો ન હતો. આથી આ બચાવ રજૂ કરવા માટે તેની પાસે ઉપલબ્ધ પ્રથમ તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયો છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
સંજોગો, ચેકની રકમ, ગુનાની મોડસ ઓપરેન્ડી અને રીતને ધ્યાનમાં લીધા પછી કોર્ટે ઠરાવ્યું કે ત્રણ મહિનાની સાદી કેદની સજા યોગ્ય અને વાજબી રહેશે.