મિકાએ પરાણે કરેલાં ચૂંબન અંગેનો કેસ પાછો ખેંચવા રાખી સાવંત તૈયાર
2006માં બહુ ગાજેલાં ચુંબન પ્રકરણ બાદ મિકાની હાઈકોર્ટમાં અરજી
મિકાએ હાઈકોર્ટમાં અરજી કરતાં રાખી તરફથી પણ મતભેદોનો અંત આવી ગયો હોવાનું જણાવાયું બંનેને ફરી એફિડેવિટ કરવા સૂચના
મુંબઈ : અભિનેત્રી અને મોડેલ રાખી સાવંતે ૨૦૦૬માં ગાયક મિકા સિંહ સામે કરેલા વિનયભંગના કેસને રદ કરવા સિંહે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. સિંહે અરજીમાં જણાવ્યું છે કે બંને જણે પરસ્પર સંમતિથી વિવાદનો ઉકેલ લાવી દીધો છે અને આથી સાવંતની સંમતિથી એફઆઈઆર અને આરોપનામું રદ કરવામાં આવે.
સાવંતના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે સાવંતનું સોગંદનામું હાઈ કોર્ટ રજિસ્ટ્રીએ ગુમાવી દીધું છે અને તે મળી રહ્યું નથી. સાવંત તેના વ્યાવસાયિક કામને લઈને વ્યસ્ત છે પણ બંને જણે મતભેદ ઉકેલી લીધા છે અને આથી તેને હવે કેસ રદ કરવામાં કોઈ વાંધો નથી, એમ વકિલે જણાવ્યું હતું.
કોર્ટે સાવંતને એક સપ્તાહનો સમય આપીને નવું સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. સિંહના જન્મદિન દરમ્યાન બનેલી ઘટના બાદ ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ એફઆઈઆર નોંધાવાઈ હતી.
સિંહે એક રેસ્ટોરાંમાં બર્થડે પાર્ટી દરમ્યાન સાવંતને કથિત બળજબરીથી ચુંબન કર્યું હતું. ફરિયાદને આધારે સિંહ સામે વિનયભંગનો કેસ દાખલ થયો હતો. ઘટના બાદ થોડા દિવસ સિંહ ગાયબ રહ્યો હતો અને આગોતરા જામીન માટે અરજી કરી હતી જે ૧૭ જુલાઈ ૨૦૦૬ના રોજ તેને મંજૂર કરાયા હતા.