રાકેશ બેદીએ સાયબર ફ્રોડમાં 85 હજાર ગુમાવ્યા
લશ્કરના અધિકારીના સ્વાગમાં છેંતરપિંડી
લશ્કરના નિયમોનો હવાલો આપી ભેજાબાજે પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા
મુંબઇ : હિન્દી ટીવી સિરિયલ અને ફિલ્મના અભિનેતા રાકેશ બેદીનો ફ્લેટ ખરીદવાના નામે એક ઠગે રૃા. ૮૫ હજારની સાયબર છેતરપિંડી કરી હતી. આ સંબધમાં મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ આદરી છે.
પુણેના કોંઢવામાં બેદી પાસે બે રૃમનો ફ્લેટ છે. બેદી આ ફ્લેટ વેચવા માગતો હતો. ફ્લેટ ખરીદવા અને વેચવા સંબંધિત વેબસાઇટ પર તેની જાહેરાત આપી હતી. ગત ૨૫ ડિસેમ્બરે બેદીને આદિત્ય કુમાર નામની વ્યક્તિએ ફોન કર્યો હતો. તેણે લશ્કરમાં કામ કરતો હોવાનું કહ્યું હતું. તેણે ફ્લેટ પસંદ હોવાનું જણાવીને વધુ ફોટો માગ્યા હતા.
બેદીએ તેને ફ્લેટના વધુ ફોટો મોકલ્યા હતા. ત્યારબાદ અભિનેતાને બીજા દિવસે વધુ એક ફોન આવ્યો હતો. મારા વરિષ્ઠ અધિકારીને ફ્લેટ ગમ્યો છે એવું કહીને સામેની વ્યક્તિએ ફ્લેટની કિંમતની પૂછપરછ કરી હતી. બેદીએ ફ્લેટના રૃા. ૮૭ લાખ કહ્યા બાદ તે ફ્લેટ ખરીદવા સંમત થયો હતો.
આરોપીએ બેદીને કહ્યું કે લશ્કરના અધિકારીના ખાતામાંથી આ રકમ મોકલી રહ્યા છીએ નિયમનું પાલન તે માટે કરવું પડશે. આ પ્રક્રિયા પૂરી કરતા બેદીના ખાતામાં એક રૃપિયો જમા થયો હતો. તેણે કહ્યું કે હવે તે રૃા. ૫૦ હજાર મોકલી રહ્યો છે. આ માટે બેદીને થોડી માહિતી ભરવા કહ્યું હતું. પણ બેદીના ખાતામાં પૈસા જમા થયા નહોતા.
આથી બેદીએ તેની પત્નીના બેંક ખાતામાં સંબંધિત પ્રક્રિયા કરી હતી. ત્યારે પત્નીના ખાતામાંથી રૃા. ૫૦ હજાર ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો હતો. આ બાબતે બેદીએ પૂછપરછ કરી હતી. આરોપીએ ભૂલમાં પૈસા તેના ખાતામાં જમા થઇ ગયા હોવાનું કહ્યું હતું. હું તમારા પૈસા પરત કરું છું. તે માટે રૃા. પચ્ચીસ હજાર મોકલાવો એમ આરોપીએ બેદીને જણાવ્યું હતું. બેદીએ આમ કુલ બીજા ૩૫ હજાર આરોપીને ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ અભિનેતાની પત્નીના ખાતામાં કોઇ રકમ જમા થઇ નહોતી.આમ આરોપીએ બેદી સાથે કુલ રૃા. ૮૫ હજારની છેતરપિંડી કરી હતી. સાયબર ફ્રોડ થયો હોવાનું જણાતા બેદીએ પોલીસને બનાવની જાણ કરી હતી.