પોર્ન ફિલ્મોના કેસમાં રાજ કુન્દ્રાની ઈડી દ્વારા આખરે પૂછપરછ
વિદેશ પ્રવાસે જતાં પહેલાં ઈડીના બીજા સમન્સના જવાબમાં હાજર
હોટશોટ્સ દ્વારા પોર્ન સામગ્રીના વિતરણ સાથે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે રાજ કુન્દ્રાની પૂછપરછ
મુંબઈ - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તાજેતરમાં કથિત પોર્ન બિઝનેસ કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરુપે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાનું નિવેદન નોંધ્યું હતું. ગયા મહિને કુન્દ્રાના નિર્ધારિત વિદેશ પ્રવાસ પહેલા ઈડીએ બેલાર્ડ એસ્ટેટની ઓફિસમાં તેની પૂછપરછ કરી હતી.
ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ પૃષ્ટિ કરી હતી કે એજન્સી તરફથી બીજું સમન્સ મળ્યા બાદ રાજ કુન્દ્રા તપાસકર્તાઓ સમક્ષ હાજર થયો હતો. જેમાં વિસ્તૃત પુછપરછ દરમિયાન ઈડીએ કુન્દ્રાને મોબાઈલ એપ્લિકેશન હોટશોટ્સ દ્વારા પોર્ન સામ્રગીના નિર્માણ અને વિતરણમાં તેની કથિત સંડોવણી વિશે સવાલો પૂછ્યા હતા.
૨૦૧૯માં આર્મ્સપ્રાઈમ લિમિટેડ સાથે સંકળાયેલા કુન્દ્રાએ ૨૦૧૯માં એપ હોટશોટ્સ એપ વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બાદમાં આ એપ યુકે સ્થિત કંપની કેનરીનને પચ્ચીસ હજાર ડોલરમાં વેચવામાં આવી હતી. એપ વેચી દેવા છતાં કુન્દ્રાની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આ એપ માટે ટેકનિકલ કન્સલ્ટન્સીની સેવાઓ પૂરી પાડીને કેનરીન સાથે સહયોગ કરવાનું ચાલુ જ રાખ્યું હતું.
ઈડીના અધિકારીઓનું કુન્દ્રાને વિયાન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તકનીકી, ઓપરેશનલ અને ગ્રાહક સેવાઓ સહિત પૂરી પાડવામાં આવતી સેવાઓ વિશે પૂછપરછ કરી હતી. વધુમાં વિયાન કંપની કેનરીન સાથે મળીને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અને થર્ડ પાર્ટી ટૂલ્સનો સપોર્ટ પણ પૂરો પાડે છે એવી માહિતી મળી હતી.
તેથી ઈડીએ આ ભંડોળના પ્રવાહને નિર્ધારિત કરવા માટે બેંક ટ્રાન્ઝેક્શનોની પણ તપાસ હાથ ધરી હતી.જેમાં વિયાન ઈન્ડસ્ટ્રીઝ અને આ સેવાઓ સાથે જોડાયેલી અન્ય કંપનીઓ વચ્ચે કેવી રીતે, ક્યારે અને ક્યા ખાતા દ્વારા નોંધપાત્ર રકમ રુટ કરવામાં આવી હતી તેની તપાસ કરવામાં આવી હતી.
જો કે, કુન્દ્રાએ પોર્નોગ્રાફીના નિર્માણમાં તેમની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યા હતા.રાજ કુન્દ્રાએ બચાવ કર્યો હતો કે તેમની કંપનીની ભૂમિકા કેનરીનને તકનીકી સેવાઓ પૂરી પાડવા માટે જ મર્યાદિત હતી. રાજે કરેલા દાવા મુજબ પ્લેેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવેલી સામ્રગી બોલ્ડ હતી અને તેનો હેતુ પુખ્ત વયના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. પરંતુ કેનરીન પાસે જ આ સિરિઝના ઉત્પાદનના નિર્માણ મોટેની અંતિમ મંજૂરીની સત્તા હતી.
ઈડી હાલમાં કુન્દ્રા અને તેની કંપની સાથે જોડાયેલ બેંક ખાતાઓમાં ઉચ્ચ વોલ્યુમના વ્યવહારોનું ઓડિટ કરી રહી છે. આ તપાસમાં શેલ કંપનીઓ અને કુંદ્રાની ભાગીદારી વચ્ચેના વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, હોટશોટ્સ એપના પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવેલી પોર્નોગ્રાફિક સામ્રગી સાથે કુન્દ્રાને સીધો કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ થઈ રહી છે.
તપાસમાં વધુમાં ખુલાસો થયો હતો કે, પુખ્ત વયના ફિલ્મ નિર્માણ માટે કેનરીનનો ગહના વશિષ્ઠ તરીકે જાણીતી વંદના તિવારીની જીવી સ્ટુડિયો કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ, કેનરીને પ્રોડયુસ કરવામાં આવેલી પોર્નોગ્રાફી ફિલ્મ દીઠ ત્રણ લાખ ચૂકવ્યા હતા. આ હોવા છતાં કુન્દ્રાએ ગેહના વસિષ્ઠ સાથે કોઈપણ જોડાણ અથવા કોઈપણ સંબંધિત વ્યવહારોનો ઈનકાર કર્યો હતો.