સટ્ટા બેટિંગમાં સંડોવણીના પાપે રાજને આઈપીએલમાંથી હાંકી કઢાયો છે
શિલ્પાએ રાજસ્થાન રોયલ્સની માલિકી ગુમાવી હતી
રાજ કુન્દ્રાએ દિલ્હી પોલીસ સમક્ષ પોપટની જેમ સટ્ટામાં સંડોવણી કબૂલી લીધી હતી
મુંબઈ : આઈપીએલ નવી નવી શરુ થઈ ત્યારે શિલ્પા શેટ્ટી રાજસ્થાન રોયલ્સની ટીમની સહ માલિક હતી. પરંતુ, રાજ કુન્દ્રાએ આઈપીએલમાં સટ્ટા બેટિંગના ગોરખધંધા આચર્યા હોવાના આક્ષેપોના કારણે શિલ્પાએ આ ટીમની માલિકી છોડવી પડી હતી અને રાજ કુન્દ્રા પર પણ આઈપીએલમાં કોઈપણ સ્વરુપે ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
૨૦૧૩માં આઈપીએલમાં સટ્ટા બેટિંગનું કૌભાંડ બહાર આવ્યું હતું. તે વખતે દિલ્હી પોલીસ દ્વારા રાજ કુન્દ્રાની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ વખતે રાજ કુન્દ્રાએ કબૂલી લીધું હતું કે પોતે કેટલીક ક્રિકેટ મેચોમાં સટ્ટો રમ્યો હતો. રાજે કબૂલ્યું હતું કે તેના એક બિઝનેસ પાર્ટનર ઉમેશ ગોએન્કા મારફત પોતે સટ્ટો રમ્યો હતો. જોકે, તેણે દાવો કર્યો હતો કે પોતે ક્યારેય કોઈ મેચ ફિક્સ કરાવી નથી.
રાજની આ કબૂલાત પછી પોલીસે તે વિદેશ ભાગી ન જાય તે માટે તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી એક પેનલ દ્વારા રાજસ્થાન રોયલ્સને આઈપીએલમાંથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. સાથે સાથે રાજ કુન્દ્રા પર કોઈપણ જાતની ક્રિકેટને લગતી એક્ટિવિટીમાં ભાગ લેવા પર આજીવન પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.
ઈકબાલ મિર્ચીના ફ્રન્ટમેન સાથે વ્યવહારોના કેસમાં રાજ કુન્દ્રાની ઈડી એ નવ કલાક પૂછપરછ કરી હતી
રાજ કુન્દ્રા દાઉદ ઈબ્રાહિમ ગેંગના ઈકબાલ મિર્ચી સાથે પ્રોપર્ટી સોદાઓમાં સંડોવણી માટે પણ અગાઉ ઈડીના રડારમાં ફસાયો હતો. ૨૦૧૯ના ઓક્ટોબર માસમાં ઈડી દ્વારા આ કેસમાં રાજની નવ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. રાજે તે વખતે ઈડી સમક્ષ પૂછપરછમાં કબૂલી લીધું હતું કે ઈકબાલ મિર્ચીન ી કરોડો રુપિયાની પ્રોપર્ટીના વ્યવહારો કરવાના કેસમાં ઝડપાયેલા એક આરોપી રણજીત સિંઘ બિન્દ્રા સાથે તે વ્યવસાયિક સંબંધો ધરાવે છે. રાજે દાવો કર્યો હતો કે બિન્દ્રા કોઈ રીતે દાઉદ ગેંગ સાથે સંકળાયેલો છે તેની પોતાને જાણ ન હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પોતે ઇકબાલ મિર્ચીને ક્યારેય રુબરુ મળ્યો નથી. રાજે એવો બચાવ કર્યો હતો કે તેણે બિન્દ્રા સાથે અનેક નાણાંકીય અને ધંધાકીય વ્યવહારો કર્યા છે પરંતુ બિન્દ્રા સાથેના આ વ્યવહારો સંપૂર્ણ રીતે પ્રોફેશનલ જ છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ રાજ કુન્દ્રાનું નિવેદન નોંધ્યું હતું. ઈડીને રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બંને જેમાં ડાયરેક્ટર હતાં તેવી એક કંપની ઈસેન્સિઅલ હોસ્પિટાલિટી લિમિટેડના કેટલાક પ્રોપર્ટી સોદાને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા હતા. રાજ કુન્દ્રાએ બિન્દ્રા તથા તેની કંપની આરકેડબલ્યૂ ડેવલપર્સ સાથે કેટલાક સોદા કર્યા હતા. બિન્દ્રા ઈકબાલ મિર્ચી વતી પ્રોપર્ટી તથા અન્ય બિઝનેસ ડિલિંગ કરતો હોવાનો આરો પહતો. ઇકબાલ મિર્ચીના ફ્રન્ટમેન બિન્દ્રાની કંપનીએ શિલ્પા શેટ્ટરી અને રાજ કુન્દ્રાની કંપનીમાં ૪૪.૧૧ કરોડનું રોકાણ કર્યાનું અને તેમને ૩૧.૫૪ કરોડની લોન આપ્યાનું ખુલ્યું હતું.
ઈનસાઈડર ટ્રેડિંગ માટે રાજ- શિલ્પાને દંડ થયો હતો
રાજ કુન્દ્રા અનેે શિલ્પા શેટ્ટી ઈનસાઈડ ટ્રેડિંગમાં પણ સંડોવાયેલાં હોવાનું બહાર આવ્યું હતું. રાજ અને શિલ્પાએ તેમની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝ મારફતે નિયમોનો ભંગ કર્યો હોવાનો કેસ ખૂલ્યો હતો. તે વખતે સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગને લગતા નિયમોો ભંગ કરવા બદલ તથા કેટલીક વિગતો રોકાણકારોથી છૂપાવવા બદલ રાજ કુન્દ્રા તથા શિલ્પા શેટ્ટીને ત્રણ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. શિલ્પા અને રાજ કુન્દ્રા બંને વિઆન ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સ છે.