પ્રવાસ દરમ્યાન પ્રવાસીના સામાનની ચોરી માટે રેલવે જવાબદારઃ ગ્રાહક પંચ
ટ્રેન કન્ડક્ટરની ફરજ છે કે પ્રવાસીઓની સલામતીની તકેદારી રાખે
રેલવેની સેવામાં ક્ષતિ ગણાય : પ્રવાસી નુકસાન થયાનું પુરવાર કરે તો રેલવે હાથ ઊંચા કરી શકે નહિ
મુંબઈ : રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે ભારતીય રેલવેએ જિલ્લા કમિશનના આદેશ સામે કરેલી અપીલ નકારી કાઢી હતી. જિલ્લા કમિશને ચાલુ ટ્રેનમાં પ્રવાસીના સામાનની થયેલી ચોરી માટે રેલવેને જવાબદાર ઠેરવી હતી.સેવા પૂરી પાડનાર તરીકે રેલવેની સેવામાં ક્ષતિ હોવાની નોંધ કરી હતી.
રાજ્ય પંચે આદેશમાં જણાવ્યું હતું કે રેલવેની બેદરકારી કે ગેરકારભારને કારણે ચોરી થઈ હોય અથવા નુકસાન થયું હોવાનું પ્રવાસી પુરવાર કરે તો રેલવેને સંરક્ષણ આપી શકાય નહીં.
રાજ્ય પંચે પહેલા બીજા અને ત્રીજા એસી ક્લાસ કોચમાં પ્રવાસીઓની સલામતીની તકેદારી લેવાની ટ્રેન કન્ડક્ટરની અમુક ફરજો રાજ્ય પંચે ટાંકી હતી.
એપ્રિલ ૨૦૧૮માં ભાનુ પ્રસાદ શુક્લા અને તેની પત્ની મીના શુક્લા ભોપાલ પ્રવાસ કરી રહ્યા હતા તેમણે પંજાબ મેલની બીજા વર્ગની એસી ટિકિટ લીધી હતી. પરોઢિયે ત્રણ વાગ્યે ટ્રેન બુરહાનપુર પહોંચી ત્યારે મીનાને જણાયું હતું કે પૈસા અને કીમતી વસ્તુ સહિત રૃ. ૨.૫૧ લાખની મતા ધરાવતી બેગ ગાયબ થઈ હતી. તેણે બૂમાબૂમ કરીને ં ટિકિટ ચેકર સહિતના લોકોને જાણ કરી હતી. ૨૦૨૦માં દંપતીએ જિલ્લા કમિશનમાં ફરિયાદ કરી હતી. ૨૦૨૨માં જિલ્લા કમિશનેે રેલવેને જવાબદાર ઠેરવીને રૃ. ૨.૫ લાખની રકમ ૧૨ ટકા વ્યાજ સાથે આપવા જણાવ્યું હતું. ભારતીય રેલવેએ અપીલ કરી હતી. રાજ્ય પંચે પણ જિલ્લા પંચનો આદેશ બહાર રાખ્યો હતો.
ટ્રેન કન્ડક્ટરની ફરજો
ટ્રેન કન્ડક્ટરની ફરજ ટિકિટ તપાસીને પ્રવાસીને સિટ શોધવામાં મદદ કરવાની છે. ટ્રેન કે પ્લેટફોર્મમાં ગેરકાયદે પ્રવેશ અટકાવવાની ફરજ છે. પ્રવાસ દરમ્યાન કોચના દરવાજા બરાબર બંધ છે અને પ્રવાસીઓની જરૃરિયાત મુજબ ખોલવાની છે. રાત્રે દસ થી સવારે છ વાગ્યા દરમ્યાન બે ડબ્બાને જોડતો માર્ગ લોક કરીને ગેરકાયદે પ્રવેશ અટકાવવાની ફરજ છે. કોચમાં દેખરેખ ખાસ કરીને રાતના સમયે રાખવાની ફરજ છે.જેથી કઈ ભિખારી કે ઘૂસણખોર કોચમાં પ્રવેશે નહીં.