સાવરકરની બદનામીના કેસમાં રાહુલ ગાંધીને પુણે કોર્ટમાં હાજર રહેવા નોટિસ
લંડનમાં કરેલા ભાષણમાં હિન્દુ વિચારધારાની કથિત બદનામીનો આરોપ
રાહુલ ગાંધીએ જણાવ્યું એવું ક્યાંય સાવરકરે કહ્યું કે લખ્યું હોય તેવું તપાસમાં જણાયું નથી તેવો પોલીસનો કોર્ટને અહેવાલ
મુંબઈ : લંડનમાં ૨૦૨૩માં આપેલા ભાષણમાં હિન્દુ વિચારધારાની બદનામી કરવાના આરોપ હેઠળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે વીર સાવરકરના ભાઈના પૌત્ર સત્યકી સાવરકરે કરેલી ફરિયાદમાં પ્રથમદર્શી તથ્ય હોવાનું પુણે પોલીસે કોર્ટમાં જણાવ્યા બાદ કોર્ટે આગામી તારીખે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
કોર્ટ સમક્ષ રજૂ કરેલા તપાસ અહેવાલમાં પોલીસે બદનક્ષીનો કેસ પ્રથમદર્શનીય રીતે બનતો હોવાનું કહ્યું હોવાનું ફરિયાદીના વકીલે જણાવ્યું હતું.
ગયા વર્ષે એપ્રિલમાં બદનક્ષીની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે વિશ્રામબાગ પોલીસને પુરાવા ચકાસીને ૨૭ મે સુધીમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. અહેવાલ તપાસ્યા બાદ કોર્ટે રાહુલ ગાંધી સામે ફોજદારી પ્રક્રિયા કાયદા અનુસાર કાર્યવાહી માટે નોટિસ બજાવી છે. આ અનુસાર આગામી તારીખે પુણેની કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કોર્ટે આપ્યો છે.
ફરિયાદ અનુસાર રાહુલ ગાંધીએ ભાષણમાં જણાવ્યું હતું કે સાવરકરે એક પુસ્તકમાં લખ્યું હતું કે તેમણે અને અન્ય પાંચ-છ મિત્રોએ મુસ્લિમ શખસની પીટાઈ કરી હતી અને સાવરકરને આનંદ થયો હતો.
રાહુલે કરેલા આરોપો કાલ્પનિક,ખોટા અને બદઈરાદાપૂર્વકના ગણાવીને સાવરકરે આવું ક્યાંય ક્યારેય લખ્યું નહોવાનો દાવો કરાયો હતો. પોલીસે અહેવાલમાં જણાવ્યું હતું કે તપાસમાં એવું ક્યાંય મળ્યું નથી કે સાવરકરે કોઈ પુસ્તકમાં આવો ઉલ્લેખ કર્યો હોય.