સરાકરી હોસ્પિટલમાં બનાવટી દવાઓ સપ્લાય કરવાનું રેકેટ
બીડમાં દર્દીઓના જીવન સાથે રમત
ગુજરાત તથા મહારાષ્ટ્રના ચાર સપ્લાયર સામે ગુનો દાખલ કરાયો
મુંબઈ : મહારાષ્ટ્રના બીડ જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં બનાવટી દવાઓ સપ્લાય કરવાના આરોપસર પોલીસે ચાર સપ્લાયરો સામે ગુનો નોંધાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ (એફડીએ) વિભાગે આ મામલે તપાસ કર્યા બાદ તેમની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એફડીએ વિભાગે અંબેજોગાઈ સ્થિત સ્વામી રામાનંદ તીર્થ હોસ્પિટલોમાં વિસ્તૃત તપાસ કર્યા બાદ પાચમી ડિસેમ્બરે આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
બીડની અંબેજોગાઈ સ્થિત સ્વામી રામાનંદ તીર્થ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ વિસ્તારની મુખ્ય હોસ્પિટલ છે જ્યાં આસપાસના જિલ્લાના લોકો સારવાર માટે આવે છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અહીં પૂરી પાડવામાં આવેલી એઝિથ્રોમાઈસીનની ગોળીઓ એફડીએ કાયદાની કલમ ૧૯૪૫ હેઠળ બનાવટી હોવાનું સ્પષ્ટ થયું હતું.
અધિકારીએ વધુ વિગત આપતા સ્પષ્ટ કર્યું હતું કે મહારાષ્ટ્ર અને ગુજરાતના ચાર સપ્લાયરો પાસેથી કુલ મળી ૫૦ લાખથી વધુ ગોળીઓ ખરીદવામાં આવી હતી. આ ચારેય સપ્લાયરો સામે ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી આચરી બનાવટી વસ્તુ પુરી પાડવા, બનાવટ અને અન્ય નામે દવાનું વેચાણ કરવાની કમલો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બાબતે અંબેજોગાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડીન શંકર ધપટેએ પત્રકારોને જણાવ્યું હતું કે આ દવાઓ બનાવટી હોવાની જાણ થયા બાદ તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો.