ખાદ્યચીજો તથા પીણાંના એક્સ્પાયરી ડેટનાં લેબલો બદલવાનું રેકેટ
નવી મુંબઈની કંપની પર ફૂડ એન્ડ ડ્રગના દરોડા
ચિપ્સ, પાપડ, ચિક્કી, મમરાના લાડુની અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા કેનેડા નિકાસ થવાની હતી, 24 હજાર કિલો જથ્થો જપ્ત
મુંબઈ : નવી મુંબઈના તુર્ભે એમઆઈડીસી એરિયામાં એક સ્ટોરેજ- પેકિંગ કંપની ઉપર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમે ૨૪ હજાર કિલો ખાદ્યપદાર્થ સીલ કર્યો હતો. ખાદ્યપદાર્થ અને ઠંડાપીણાંના પેકિંગ ઉપરના જૂના લેબલ પર નવા લેબલ ચોડી બેસ્ટ બીફોર યુઝની તારીખ બદલવામાં આવી હતી.
તુર્ભેની આ કંપનીમાં જાણીતી ફુડ પ્રોડકટસની કંપનીઓના માલનો સંગ્રહ કરવામાં આવતો હતો. એફડીએની ટીમે છાપો માર્યો ત્યારે ખાદ્યપદાર્થ અને ઠંડાપીણાંના ખોખા ઉપર તારીખ બદલેલા નવા લેબલો જૂના લેબલની ઉપર ચોંટાડવામાં આવ્યા હોવાનું જણાયું હતું. અમુક તારીખો કાળી શાહીથી બદલી નાખવામાં આવી હતી.
કંપનીના એક કર્મચારીએ જણાવ્યું હતું કે આ માલ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા મોકલવામાં આવનાર હતો. આ ખાદ્યપદાર્થમાં પોટેટો ચીપ્સ, જાતજાતના પાપડ, રાજગરાની ચિક્કી, મમરાના લાડુ સહિતના ખાદ્યપદાર્થનો નવનિર્માણ સેનાએ એફડીએની થાણે વિભાગમાં ફરિયાદ કર્યા બાદ રેડ પાડવામાં આવી હતી. સીલ કરવામાં આવેલી ખાદ્યસામગ્રીની કિંમત ૨૪ લાખ રૃપિયા અંદાજવામાં આવી છે. આ માલના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.