ક્વિક કોમર્સના કારણે મુંબઈના 60 ટકા કિરાણા સ્ટોર્સની ઘરાકી ઘટી
મુંબઈનાઉપનગરોમાં થયેલા સર્વેમાં વેપારીઓએ વ્યથા વર્ણવી
77 ટકા દુકાનદારોએ જણાવ્યું કે ત્રીજા ભાગનો ધંધો ઘટી ગયો છેઃસરકાર હસ્તક્ષેપ કરે તેવી માગણી
મુંબઈ - મુંબઈમાં મોબાઈલ એપ દ્વારા ઘરે બેઠકાં કરિયાણાં સહિતની ચીજો મગાવી લેવાનું વલણ વધવા માંડયું છે. તેના કારણે શહેરના છૂટક સ્ટોર્સની ઘરાકી પર માઠી અસર પડી છે. તાજેતરમાં મુંબઈના સાત ઉપનગરોમાં થયેલા એક સર્વેમાં ૬૦ ટકા કિરાણા દુકાનદારોએ કબૂલ્યું હતું કે ક્વિક કોમર્સના કારણે તેમનો ધંધો ઘટયો છે. ૭૭ ટકા દુકાનદારોએ તો તેમનો ધંધો ૩૦ ટકા જેવો ઘટયો હોવાનું જણાવી આ બાબતે સરકાર દરમિયાનગીરી કરે તેવી માગણી કરી છે.
મુંબઈના માર્ગો પર ક્વિક કોમર્સ કંપનીઓના ડિલિવરી એજન્ટસની ભીડ વધવા માંડી છે. લોકોને પણ જ્યારે જે ચીજવસ્તુ યાદ આવે તે દસથી પંદર મિનિટમાં જ ઘરે બેઠા મળી જતી હોવાની સુવિધા અનુકૂળ આવવા માંડી છે. મુંબઈમાં અનેક વિભક્ત પરિવારો છે જેમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય તેમને કિરાણાની દુકાને જઈને માલસામાન લાવવાનો સમય રહેતો નથી. મોટી સંખ્યામાં સિનિયર સિટિઝન્સ પણ હવે ક્વિક કોમર્સ પર આધાર રાખવા લાગ્યા છે.
જોકે, આ ટ્રેન્ડથી દુકાનદારોમાં ચિંતા પેઠી છે. ક્વિક કોમર્સ કંપનીઓની દલીલ અનુસાર તેઓ કિરાણા સ્ટોર્સના ગ્રાહકોને નહિ પરંતુ ઓનલાઈન જ ખરીદી કરતા ગ્રાહકોને આકર્ષે છે. જો કે ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના સંગઠને ક્વિક કોમર્સના આ દાવાને ફગાવ્યા છે. સંગઠનના મતે આ ક્વિક કોમર્સ કંપનીઓમાં જંગી વિદેશી રોકાણ ઠલવાયું છે. આથી હાલ તેમને ખોટમાં ધંધો કરવાનું પણ પરવડી રહ્યું છે. ગળાકાપ સ્પર્ધામા ંતેઓ રિટેલ દુકાનદારોના પેટ પર પાટુ મારે છે. જોકે, એસોસિએશને ે ન્યાયસંગત સ્પર્ધા માટે ક્વિક કોમર્સ કંપનીઓ અને કિરાણા દુકાનદારો વચ્ચે ભાગીદારીની ભલામણ કરી છે.
સરવેમાં કિરાણા દુકાનદારોમાં વધતા અસંતોષ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૬૨ ટકા કિરાણા માલિકોએ આ બાબતમાં સરકારી હસ્તક્ષેપની માગણી કરી છે. તેમણે વિતરકો અને બ્રાન્ડ ક્વિક કોમર્સ કંપનીઓને પ્રાથમિકતા આપવા વિશે ચિંતા વ્યક્ત કરી છે જેના કારણે ભાવમાં અસમાનતા જોવા મળે છે.
ક્વિક કોમર્સના પડકારો સામે ટકી રહેવા પચ્ચીસ ટકા કિરાણા દુકાનદારો તેમના માલસામાનમાં વૈવિધ્યતા લાવીને, હોમ ડિલિવરીની સેવા આપીને, વસ્તુઓના નાના પેક બનાવીને તેમજ મોટા જથ્થાની ખરીદી પર છૂટ આપીને તેમના ગ્રાહકોને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ સર્વેમાં જણાયું હતું.