સલમાનના ઘર પર ગોળીબારમાં વપરાયેલી બાઈકના માલિકની પૂછપરછ

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
સલમાનના ઘર પર ગોળીબારમાં વપરાયેલી બાઈકના માલિકની પૂછપરછ 1 - image


1 માસથી આંટા મારતા હતા, જતાં જતાં રીક્ષા ચાલકને રસ્તો પૂછ્યો હતો

પનવેલના માલિકે સેકન્ડમાં બાઈક વેચી હતીઃ ગોળીબાર બાદ બંને શૂટર બાંદરા  સ્ટેશનથી  લોકલમાં પ્રવાસ કરી સાંતાક્રૂઝ ઉતરી ગયા હતા

મુંબઈ :  બાંદરામાં બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર ફાયરીંગ માટે ઉપયોગમાં લેવામાં આવેલી બાઈકના માલિકની પોલીસ પૂછપરછ કરી રહી છે. હુમલાખોરોએ સેકન્ડમાં ખરીદાયેલી બાઈકનો ઉપયોગ કર્યો હતો. ગોળીબાર સલમાનના ઘરથી થોડી દૂર બાઈક છોડીને બંને શૂટર નાસી ગયા હતા. આ સિવાય  તેમને રસ્તો બતાવનારા કે સ્ટેશન આવતાં જતાં છોડનારા રીક્ષા ડ્રાયવર અને અન્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બોલીવુડનો દબંગ સ્ટાર સલમાન ખાન બાંદરામાં ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહી છે. બાઈક પર આવેલા બે શખસે ગઈકાલે વહેલી સવારે સલમાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. સદ્નસીબે ગોળીબારમાં કોઈ જાનહાની થઈ નહોતી. આ મામલે પોલીસે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી વધુ તપાસ આદરી હતી.

અભિનેતાના ઘરથી થોડી દૂર માઉન્ટ મેરી ચર્ચ પાસે ત્યજી દેવાયેલી બાઈક મળી હતી. આ બાઈકનો ઉપયોગ ગુનામાં થયો હતો. આ બાઈક પનવેલની એક વ્યક્તિના નામે રજીસ્ટર કરવામાં આવી હતી.

પનવેલના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક રાજપૂતે જણાવ્યું હતું કે 'આ વ્યક્તિએ તાજેતરમાં જ તેની બાઈક બીજા કોઈને વેચી દીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પનવેલ ગઈ હતી. પોલીસની બાઈકના માલિક અને અન્ય બેને પૂછપરછ માટે લઈ આવી હતી.

ફાયરિંગ કરનારા શૂટર સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળ અને આસપાસનાં સીસીટીવી ફૂટેજની તપાસણી કરી રહી છે. તેમણે એક રીક્ષા ચાલકને રસ્તો પૂછ્યો હતો. તે પરથી તેઓ આ વિસ્તારના અજાણ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

માઉન્ટ મેરી ચર્ચ નજીક બાઈક રાખીને આરોપીઓ થોડી દૂર ચાલીને ગયા હતા પછી રિક્ષામાં બાંદરા સ્ટેશન પહોંચ્યા હતા. બાંદરા સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ પરથી તેમણે સવારે ૫.૦૮ વાગ્યાની બોરીવલી તરફ જતી ટ્રેન પકડી હતી. પરંતુ બંને સાંતાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને વાકોલા તરફ ચાલીને ગયા હતા. તેઓ ફરી રિક્ષામાં બેઠા હતા પછી તેઓ ક્યાં ગાયબ થઈ ગયા એની માહિતી મળી શકી નહોતી.

પોલીસ સાંતાક્રુઝ સ્ટેશન, વાકોલા અને અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ એક કરી રહી છે. પોલીસે ચકચારજનક ગુનાની તપાસ માટે એક ડઝનથી વધુ ટીમો બનાવી છે. અમુક ટીમ બિહાર, દિલ્હી, જયપુર મોકલવામાં આવી છે. આરોપીઓમાં રિક્ષામાં પ્રવાસ કર્યો હતો એના ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'આ મામલામાં અત્યાર સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. પોલીસે શંકાના આધારે ઘણા લોકોની પૂછપરછ કરી છે. નોંધનીય છે કે પનવેલમાં સલમાન ખાનનું ફાર્મહાઉસ છે. આરોપીઓએ બાઈક પનવેલથી જ મેળવી હતી. આમ કદાચ તેમણે પનવેલના ફાર્મહાઉસની પણ રેકી કરી હતી કે કેમ એવી ચર્ચા થઈ રહી છે.

કેટલાક અહેવાલો અનુસાર બંને શકમંદો છેલ્લા એક મહિનાથી સલમાનના ઘર બહાર આંટાફેરા કરી રહ્યા હતા.



Google NewsGoogle News