પુરુષોત્તમ ઉપાધ્યાયે લતા મંગેશકર, મહમ્દ રફી સહિતની હસ્તીઓ પાસે ગવડાવ્યું
પુરુષોત્તમ ઉપાધ્યાયમાં પ્રાદેશિક સંગીતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અપીલ અપાવવાની વિશિષ્ટ ક્ષમતા હતી, જે તેમને અન્યોથી અલગ પાડતી હતી. બોલીવૂડના સૌથી મહાન ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવવાની તેમણે અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી. મહાન મહમ્મદ રફી, સ્વર સામ્રાજ્ઞાી લત્તા મંગેશકર અને આશા ભોંસલે જેવા ગાયકોએ તેમની રચનાઓને પોતાનો અવાજ આપ્યો હતો. રફી સાહેબ પાસે તેમણે ગવડાવેલું 'દિવસો જુદાઈના જાય છે' આજે પણ એટલું જ લોકપ્રિય છે. એક અસાધારણ કહી શકાય તેવા સહયોગમાં ગઝલની દુનિયામાં મલ્લિકાએ તરન્નુમ બેગમ અખ્તરે પણ પુરુષોત્તમ ઉપાધ્યાયની ધૂન પર શાયર મરિઝની ગઝલ 'જિંદગીનો રસ પીવામાં જલદી કરો મરિઝ, એક તો ઓછી મદિરા અને ગળતું જામ છે' ગાઈ હતી.
છ વર્ષની વયે જાહેરમાં પહેલું ગીત ગાયું, ૧૭ વન્સમોર
સ્વ. પુરુષોત્તમ ઉપાધ્યાય જાણે ગળથૂથીમાં જ સૂરો સાથે નાતો લઈને આવ્યા હતા. સામાન્ય બાળકો બોલતાં શીખે તે ઉંમતે તેમણે ગાવાનું શરુ કર્યું હતું. છ વર્ષની વયે નરસિંહ ભગત ફિલ્મનું ગીત 'સાધુ ચરણ કમલ ચિત્ત છોડ' તેમણે પહેલીવાર જાહેરમાં ગાયું ત્યારે ૧૭ વન્સ મોર મળ્યા હતા.
૨૦૦૦થી વધુ ગીતો કમ્પોઝ કર્યાં
અવિનાશ વ્યાસે બહુ નાની વયે તેમની પ્રતિભા પારખી હતી. લાંબા અરસા સુધી તેઓ અવિનાશ વ્યાસના માનસપુત્ર તરીકે તેમના ઘરે જ રહ્યા હતા. ૧૯ વર્ષની વયે 'ઓલ્યા માંડવાની જુઈ' ગીતનું પહેલું સ્વરાંકન તૈયાર કર્યું હતું . તેમણે આશરે બે હજાર ગીતો કમ્પોઝ કર્યાં હોવાનું મનાય છે. ગુજરાતી ફિલ્મ 'શામળશાનો વિવાહ'માં દિલીપ ધોળકિયાએ તેમની પાસે પહેલું ગીત ગવડાવ્યું હતું.
સ્મરણશક્તિએ દગો દીધો પણ ગીતો યાદ
નિકટનાં વર્તુળોના જણાવ્યા અનુસાર પાછલાં કેટલાક સમયથી તેમને સ્મરણ શક્તિએ દગો દીધો હતો. ઘણી ચીજો ભુલવા લાગ્યા હતા. પરંતુ તેમને પોતાનાં તમામ ગીતો યાદ હતાં. અચાનક ગીત ગાવા લાગે અને સૌને ભાવવિભોર કરી મૂકતા હતા.
રંગલો જામ્યો ..ઓલટાઈમ હિટ
'રંગલો જામ્યો કાલિંદીના ઘાટે' જેવી પુરુષોત્તમ ઉપાધ્યાયની અનેક રચનાઓ આજે પણ ગુજરાતી તેમજ બિનગુજરાતીઓમાં એક સરખી લોકપ્રિય છે. પુરુષોત્તમ ઉપાધ્યાયે પ્રથમ ગુજરાતી ઈસ્ટમેન કલર ફિલ્મ 'લીલુડી ધરતી'માં સંગીત આપ્યું હતું. દિવસો જુદાઈના જાય છે, મારી કોઈ ડાળખીમાં , પ્રેમમાં ચાલને ચકચૂર, દીકરી ચાલી ચાલી, કહું છું જવાનીને, આ નભ ઝૂક્યું, સહિતનાં ગીતો થકી તેમનો સૂર શાશ્વત કાળ માટે ગાજતો રહેશે