ભેજાબાજો દ્વારા બેન્ક ખાતાં અને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી દોઢ કરોડની ખરીદી
કોલકત્તામાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું
ચર્ચગેટના રહીશના ખાતાં તથા કાર્ડમાંથી મોબાઈલ, કિંમતી ઘડિયાળો, આઈપેડ, એસી, પ્રિન્ટર, ચિમની સહિતની ખરીદી
મુંબઈ : કોલકાત્તામાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવીને ચર્ચગેટના એક રહેવાસીના બેન્ક ખાતા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની માહિતી મેળવીને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને ૧.૪૮ કરોડના સામાનની ખરીદી કરનારા સાત આરોપીની ગેંગને સાયબર પોલીસ ઝડપી લીધી છે.
આ મામલામાં કોલકત્તાના રહેવાસી રયાન શાહદાસ (ઉ.વ.૨૨), અરુણભા હલદર (ઉ.વ.૨૨) રિતમ મંડલ (ઉ.વ.૨૩), તમોજીત સરકાર (ઉ.વ.૨૨), રજીબ શેખ (ઉ.વ.૨૪), સુજોય નાસકર (ઉ.વ.૨૩), રોહિત બૈધય (ઉ.વ.૨૩)ની ધરપકડ કરવામાં આવી છે.
આ ગેંગ પાસેથી રૃ.૫૦ લાખ રોકડા, ૨૭ મોબાઈલ ફોન, પાંચ ઘડિયાળ, ત્રણ એર બર્ડ, એક મેકબુક, એક આઈપેડ, ૧૧ પરફયુમ બોટલ, બે લેડિઝ બેગ, બે ફ્રિઝ, બે એરકન્ડીશન, બે પ્રિન્ટર, એક કિચન ચિમની જપ્ત કરાઈ છે.
મુંબઈ દક્ષિણ વિભાગ સાયબર પોલીસે જણાવ્યું હતું કે ચર્ચગેટમાં મહર્ષિ કર્વે રોડ પર રહેતા ફરિયાદીએ ગત સાત માર્ચના ફરિયાદ નોંધાવી હતી. સાયબર પોલીસ સ્ટેશનના કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૧૨૦ (બ), ૬૬ (ક), ૬૬ (ડ) હેઠળ કેસ નોંધાવામાં આવ્યો હતો.
ગત ૨૯ ફેબુ્રઆરીથી ૩ માર્ચ દરમિયાન, આરોપીએ ફરિયાદી તેના પરિવારના બેન્ક ખાતા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી હતી. પછી ફરિયાદી, તેમની પત્ની, અને વિદેશમાં રહેતી પુત્રીના બેન્ક ખાતામાંથી પૈસા ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કર્યા હતા. પછી ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને રૃ.૧.૪૮ કરોડની શોપિંગ કરી હતી.
આ ટોળકીએ ક્રેડિટ કાર્ડની કિંમતી વસ્તુ ખરીદી કોલકાતામાં વિવિધ સ્થળે મોકલવામાં આવી હતી.
આથી મુંબઈ પોલીસની ટીમ કોલકત્તા ગઈ હતી.પોલીસની કાર્યવાહીથી શંકા જતા આરોપીઆ સિલીગુડી પલાયન થઈ ગયા હતા.
છેવટે સ્થાનિક પોલીસની મદદથી સિલીગુડીથી ૭ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.
કોલકત્તામાં ગેરકાયદે કોલ સેન્ટરમાંથી આ ગેંગ ભારતીય અને વિદેશી નાગરિકોને ક્રેડિટ કાર્ડની સુરક્ષા બાબતે કોલ કરીને જાળમાં ફસાવતા હતા.