42 કરોડના હીરાના પેમેન્ટને બદલે બારોબાર મિલ્કતોની ખરીદી

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
42  કરોડના હીરાના પેમેન્ટને બદલે બારોબાર  મિલ્કતોની ખરીદી 1 - image


સુરતની કંપની દ્વારા મુંબઈની હીરા કંપની સાથે છેંતરપિંડી

સુરતની કંપની નીરુ ઈમ્પેક્સના સંચાલક વાનાણી પરિવાર સામે ફરિયાદઃ ડાયરેક્ટર આશા વાનાણીની ધરપકડ

મુંબઇ : સુરતની નીરુ ઈમ્પેક્સ કંપનીના સંચાલક વાનાણી પરિવાર દ્વારા મુંબઈની હીરા કંપની પાસેથી ૪૨ કરોડના ડાયમંડ ખરીદવાને બદલે તેનું બારોબાર કેટલીક પ્રોપર્ટીમાં રોકાણ કરી છેંતરપિંડી કરવામાં આવી હતી. આ ગુનામાં મુંબઈ પોલીસે કંપનીના એક ડાયરેક્ટર ૪૨ વર્ષીય આશા વાનાણીની ધરપકડ કરી છે. તેમને તા. ૧૮મી ફેબુ્રઆરી સુધીના પોલીસ રિમાન્ડ અપાયા છે. 

સુરતની કંપનીએ મુંબઇની હીરા કંપની પાસેથી ૨૦૦૬થી ૨૦૦૯ના વર્ષ દરમિયાન ઇઝરાયલથી મંગાવેલ હીરા ખરીદ્યા હતા. વેપારની શરતો અનુસાર  આ હીરાની રકમની ચૂકવણી ૧૨૦ દિવસમાં કરવાની હતી. આ બાબતના બાંહેધરી આપતા દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હતા. જોકે,   આરોપીઓએ તેના બદલે સંબંધીઓના નામે મિલકતો ખરીદી હતી.

આ બાબતે સંજય ભણસાલી દ્વારા તેમના ભાઇ અને સમીર જેન્સના ડિરેકટર સમીર વતી નીરુ ઇમ્પેકસના ડિરેકટર્સ ગોવર્ધન વાનાણી, અમિત વાનાણી અને પરિવારના અન્ય સભ્યો સામે છેતરપિંડીની ફરિયાદ આપી હતી.    ફરિયાદ અનુસાર પેમેન્ટના પૈસામાંથી ગોવર્ધન વાનાણી, પત્ની અમૃતા અને પુત્ર અમિતના નામે મિલકતા ખરીદાઈ હતી. 

મુંબઈના ડીબી માર્ગ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. 

આરોપીઓએ  ચૂકવણીની ઓફર કરી હતી અને તેને આધારે  દસ્તાવેજો પણ સબમીટ કર્યા હતા.  જોકે પાવર ઓફ એટર્ની સહિતના દસ્તાવેજો બોગસ નીકળ્યા હતા. ગોવર્ધન, અમિત અને અમૃતાએ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટ માત્ર અમૃતાને આગોતરા જામીન આપ્યા હતા. અન્ય આરોપીઓએ ે બોમ્બે હાઇકોર્ટમાં કરેલી અરજીઓ હજુ પડતર છે. 

બીજી તરફ પોલીસે  ગુજરાતમાં પ્રોપર્ટીઓના દસ્તાવેજો અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વાનાણીના પરિવારના નામે વલસાડ આસપાસ ૨૨૧ મિલકતો છે અને આશા  પણ તેમાં એક મિલ્કત ધારક છે. પોલીસે જણાવ્યું હતું કે આશાએ આ વાત છૂપાવી હતી. જોકે ગુનાની આવકમાંથી મિલકતો ખરીદવામાં આવી હતી અને તેની ભૂમિકા સ્પષ્ટ હતી.



Google NewsGoogle News