રસ્તા પર કબૂતરોને ચણ નાંખનારાં સામે દંડાત્મક કાર્યવાહી થશે
લોકોનું સ્વાસ્થ્ય જોખમાતાં પાલિકાનો તત્કાળ નિર્ણય
કબૂતરની વિષ્ટા તથા પાંખમાંથી નીકળતાં પદાર્થને લીધે ફેંફસામાં ઈન્ફેક્શન થતું હોવાનું રીસર્ચ
મુંબઈ : મુંબઈ, પુણે જેવા શહેરોમાં તેમાંય ખાસ કરી મોટા ચોકમાં મોટી સંખ્યામાં કબૂતર જોવા મળે છે. પરંતુ તેને કારણે નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાતું હોવાનું પણ અનેકવાર સામે આવ્યું છે. આથી રસ્તા પર કબૂતરોને દાણા નાંખનારાં લોકો સામે કાર્યવાહી કરવાનું પાલિકાએ નક્કી કર્યું છે.
ડૉક્ટરોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે, કબૂતરોની વિષ્ટાની વાસને કારણે લોકોમાં શ્વસન સંબંધિત બિમારીઓ વધી રહી છે. જેને કારણે કબૂતરો વારંવાર ચર્ચામાં આવી રહ્યાં છે. કેટલાંય સંશોધનમાં એવું જણાયું છે કે, કબૂતરની વિષ્ટા તથા પાંખથી નીકળતો પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કબૂતરોના મળમાં એસ્પરગિલસ ફંગસ મળી આવે છે. જેથી એલર્જી થઈ શકે છે. તેમજ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓના ફેંફસામાં ઈન્ફેક્શન કે સંક્રમણ પણ થઈ શકે છે.
આના જ ઉકેલ માટે પાલિકા ક્લિન અપ માર્શલ્સને કબૂતરોને દાણાં નાંખનારાઓ પર નજર રાખવા જણાવી રહી છે. જો કોઈ નિશ્ચિત જગ્યાથી અન્યત્ર કબૂતરોને દાણાં નાંખતાં ઝડપાશે તો તેમને ૧૦૦ થી ૫૦૦ રુપિયા સુધીનો દંડ કરાશે.
મુંબઈના ભૂલેશ્વર, દાદર, માહિમ, ફોર્ટ, માટુંગામાં ગત કેટલાંય વર્ષોથી કબૂતર ખાના છે. અહીં કેટલાંય શહેરીજનો કબૂતરોને ચણા, ઘઉં, જુવાર, બાજરી, ચોખા, દાળ ખવડાવતાં હોય છે. કબૂતરખાના વિસ્તારની સોસાયટીઓ તેમજ અનાજ વેંચતી દુકાનોના પરિસરમાં કબૂતરોની સંખ્યા વધી જતાં લોકોની સમસ્યા વધી ગઈ છે. આથી પાલિકાએ તુરંત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.