ગોવામાં પેરાગ્લાઈડરની રસ્સી તૂટતાં પુણેની પર્યટકનું મોત
- ટ્રેનર સાથે સીધી ખડક પર ખાબકી
- પુણેની યુવતી મિત્રો સાથે ગોવા ફરવા ગઈ હતી, પેરા ગ્લાઈડર કંપનીના માલિક સામે ગુનો
મુંબઈ : ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન ગઈકાલે એક જીવલેણ દુર્ઘટના બની હતી. જેમાં એક યુવતી અને પેરાગ્લાઈડર ઓપરેટરનું પેરાગ્લાઈડરની રસ્સી તૂટી પડવાથી નીચે ખડક પર પટકાવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે પેરાગ્લાઈડિંગ કંપનીના માલિક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસે આ ઘટના બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકની ઓળખ પુણેની શિવાની દાબલે (૨૭) અને ગ્લાઈડર ઓપરેટર સુમન નેપાલી (૨૬) તરીકે કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના વિશે વધુ માહિતી આપતા માંદ્રેમ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે શિવાની તેના એક મિત્ર સાથે ગોવા ફરવા આવી હતી. શનિવારે તેણે પેરાગ્લાઈડિંગ માટે એક ઓપરેટર નેપાલી સાથે ગોઠવણ કર્યા બાદ કેટી પર્વત પરથી ઉડ્ડાણ ભરી હતી. ગ્લાઈડર ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું બરોબર આસમયે ગ્લાઈડરની રસી અચાનક તૂટી પડી હતી. પરિણામે શિવાની અને નેપાલી બન્ને ઝડપભેર નીચે આવ્યા હતા અને બન્ને ઉપરથી ખડક પર પટકાયા હતા.
આ ઘટનામાં બન્નેને અતિ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાં હાજર લોકોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી એમ્બ્યુલન્સ મગાવી હતી અને બન્નેને ગોવા મેડિકલ કોલેજમાં લઈ ગયા હતા. આ સમયે ત્યાં હાજર ડોક્ટરોએ બન્નેને મૃત ઘોષિત કર્યા હતા. આ બન્નેના મૃતદેહનું ત્યારબાદ આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે સ્થાનિક એસપી ટીકમ સિંહ વર્માએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ માદ્રેમ પોલીસ મથકમાં પેરાગ્લાઈડીંગ કંપનીના માલિક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ (સાપરાધ મનુષ્ય વધ) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વર્માએ જણાવ્યું હતું કે આ લોકોએ વધુ કમાણી કરવાની લ્હાયમાં જાણી જોઈને કાયદેસર લાયસન્સ કે જરૂરી સુરક્ષા વ્યવસ્થા વગર ઓપરેટરને પર્યટક સાથે પેરાગ્લાઈડિંગ માટે જવાની અનુમતિ આપી હતી. જેથી બન્નેનું મોત થયું હતું.