પૂણે જળબંબાકાર, સ્કૂલ-કોલેજો ને પ્રવાસન સ્થળો બંધ, જનજીવન ઠપ, પાણીમાં કરંટથી 3 મોત
Pune Rain Updates : મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત હવે પૂણેમાં પણ ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીની માહિતી અનુસાર શાળા-કોલેજો સહિત તમામ પ્રવાસન સ્થળોને પણ બંધ કરી દેવાનો આદેશ તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડ સહિત એનડીઆરએફની ટીમને પણ રેસ્ક્યુ ઓપરેશન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં તહેનાત કરી દેવામાં આવી છે.
200 લોકોને રેસ્ક્યુ કરાયા
ફાયરબ્રિગેડ દ્વારા મળતી માહિતી અનુસાર અત્યાર સુધી પૂણેમાં વિવિધ સ્થળોએ ફસાયેલા 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા છે. એકતા નગરીમાં બે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં જ ફસાઇ ગયા છે. વારજે વિસ્તારમાં પણ એક એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી હતી.
4 લોકોના મોત, જેમાં 3ને કરંટ લાગ્યો
વરસાદને લગતી ઘટનાઓમાં મૃતકાંક વધતો જઇ રહ્યો છે. ડેક્કન જીમખાના વિસ્તારમાં પુલાચી વાડીમાં ભારે પાણી ભરાઈ ગયા બાદ એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં પાણીમાં ચાલુ કરંટવાળો વાયર પડી જતાં 3 લોકો તેની લપેટમાં આવી ગયા અને મૃત્યુ પામી ગયા. આ દરમિયાન અદારવાડી ગામમાં ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિના મોતના અહેવાલ સામે આવ્યા છે.
શાળા-કોલેજો બંધ, પ્રવાસન સ્થળ બંધ
માહિતી અનુસાર પૂણે શહેરની મોટાભાગની શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. પવાના ડેમ પણ છલકાઈ જતાં સુંદર રમણીય દૃશ્યો સર્જાયા હતા પરંતુ એની સાથે જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પૂણેમાં રેડ એલર્ટ જાહેર કરવાની સાથે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અહીં આવેલી મુથા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે થયા એક્ટિવ
આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ એક્ટિવ દેખાયા. તેમણે એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે પૂણેમાં સ્થિતિ ભયજનક છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું છે અને રોડ પણ જાણે બેટ બની ગયા છે. ડેમ પણ છલોછલ છલકાઈ ગયા છે. એનડીઆરએફને સંભવિત ખતરાની સ્થિતિને પહોંચી વળવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.