દેશવ્યાપી સાયબર ક્રાઈમમાં પુણેના સીએની ધરપકડ
ટાસ્ક આપી ઓનલાઈન છેંતરપિંડી
મહારાષ્ટ્ર સહિત દેશભરમાં સાયબર છેતરપિંડીના 25 ગુનામાં સામેલ હતો
મુંબઇ : વિવિધ વેબસાઇટ દ્વારા ટાસ્ક આપીને લાખો રૃપિયાની ઓનલાઇન છેતરપિંડી કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પુણેથી નવી મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર ઉપરાંત દેશમાં અન્ય રાજ્યમાં પણ અનેક લોકો પાસેથી તેણે પૈસા પડાવ્યા હતા.
સાયબર પોલીસે આરોપીના જુદા જુદા બેંક ખાતાઓમાં જમા કરાયેલા રૃા. ૫.૯ લાખ ફીઝ કરી દીધા છે. પુણેના લોહગાવમાંથી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આકાશ પાંડે (ઉં.વ.૩૫)ની ધરપકડ કરવામાં આવી છે, એમ સાયબર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું.
નવી મુંબઇમાં રહેતા ફરિયાદીનો ટેલિગ્રામ દ્વારા આરોપીએ સંપર્ક કર્યો હતો. તેણે વિવિધ વેબસાઇટ પર ટાસ્ક પૂર્ણ કરી લાખો રૃપિયા કમાવવાની ફરિયાદીને લાલચ આપી હતી. આરોપી આકાશ પર વિશ્વાસ કરીને ફરિયાદીએ તેના વિવિધ બેંક ખાતાઓમાં ઓનલાઇન રૃા. ૧૭ લાખ જમા કર્યા હતા. ફરિયાદીને કમિશન પેટે મોટી રકમ મેળવવાના સ્વપ્ન જોતો હતો. પરંતુ આકાશે ફરિયાદીને નફો કે રોકાણ કરેલી રકમ ચૂકવી નહોતી. આથી ફરિયાદીએ પોલીસને છેતરપિંડીની જાણ કરી હતી.
પોલીસે આરોપીની બેંકના ખાતાની માહિતી મેળવી હતી. પોલીસે તેના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. આમ પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી પુણેથી આકાશને ઝડપી લીધો હતો. દિલ્હીના સાથીદારો સાથે મળીને તે ઓનલાઇન ફ્રોડ કરતો હતો. તે આ પ્રકારના મહારાષ્ટ્રમાં ચાર અને અન્ય રાજ્યોમાં ૨૧ ગુનામાં સંડોવાયેલો હતો.