પુણેમાં ચાલુ કારની બારીમાં બહાર લટકી યુવકે ડાન્સ કરી ધમાલ મચાવી
દારુના નશામાં જીવલેણ સ્ટંટનો વિડીયો વાયરલ
વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ ઃઅન્ય વાહનો માટે જોખમ સર્જાય તેમ હતું
મુંબઇ : પુણેમાં પોર્શે કાર કેસ, માજી નગર સેવકના પુત્ર દ્વારા હિટ એન્ડ રન કેસની હાલ તપાસ ચાલુ છે. ત્યારે ફરી એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દારુના નશામાં ધૂત યુવકે હાઈવે પર દોડતી કારની બારીમાં બહાર લટકીને ડાન્સ કરી અને ફુલ અવાજમાં ગીતો વગાડીને હાઈવે પર જીવલેણ સ્ટંટ કરતા જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો.
પિંપરી ચિંચવાડ વિસ્તારના દેહુ રોડ વિસ્તારમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ફોર વ્હીલરમાં બેઠેલા કેટલાક યુવકોમાંથી એક યુવક કારની બારીમાંથી બહાર લટકીને ડાન્સ કરતા, પોતાના જીવના જોખમે આ યુવાન હાઈવે પર આવા જીવલેણ સ્ટંટ કરતા વિડીયામાં કેદ થયો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થતાં ઘણા યુઝર્સોએ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા પોલીસ દ્વારા આ ઘટનાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરી હતી.
આવા જીવલેણ સ્ટંટ કરતા યુવકની સાથે હાઈવે પર રહેલા અન્ય વાહનચાલકો માટે પણ આ જોખમી બની શકે છે. આવા ખતરનાક સ્ટંટ કરવાથી હાઈવે પર કોઈનો જીવ પણ જઈ શકે છે. જો કે, આ ઘટનામાં બારીની બહાર લટકીને ડાન્સ કરતો યુવક દારુ પીતા પણ જોવા મળ્યા હતા.
આ અગાઉ થોડા દિવસો પહેલા નાગપુરની લો કોલેજ અને ધરમપેઠ વિસ્તારની વચ્ચે ચાલતી કારમાં એક કપલ અશ્લીલ કૃત્યો કરતા વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. આ બાદ પોલીસે આ કપલ સામે ગુનો નોંધ્યો હતો. પરંતુ બાદમાં બંનેને નોટિસ આપીને છોડી દેવામાં આવ્યા હતા. તેથી હવે પુણેના આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરે છે. તે પણ જોવુ રહ્યું.
હાલ હીટ એન્ડ રનના કેસમાં સતત વધી રહ્યા છે. ત્યારે આ યુવક કાયદાનો કોઈ ડર રાખ્યા વિના આવા સ્ટંટો કરતા જોવા મળ્યો હતો. તેથી પુણેમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી પ્રશ્નો ઉભા થયા હતા.