જાહેર પદોની ભરતી પરીક્ષાના ગુણ આરટીઆઈ હેઠળ જાણી શકાય
ભરતી પારદર્શક પ્રક્રિયા દ્વારા થઈ હોવી જરૃરી
ઈનકાન કરતાં શંકાના વાદળ ઘેરાઈ શકતા હોવાની હાઈકોર્ટની નોંધ
મુંબઈ : જાહેર પદો માટેની ભરતીની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને ઉમદવારને મળેલા ગુણ ખાનગી માહિતી નથી આ માહિતી જાહેર કરવાથી ગુપ્તતામાં બિનજરૃરી દખલ ગણી શકાય નહીં, એમ બોમ્બે હાઈ કોર્ટે સોમવારે આદેશમાં જણાવ્યું હતું.
આવી માહિતી છુપાવવાથી શંકા ઘેરાય છે જે પારદર્શકતા જાળવવા યોગ્ય નથી, એમ કોર્ટે નોંધ કરી હતી. પુણે જિલ્લા કોર્ટમાં જુનિયર ક્લાર્કના પદ માટે ૨૦૧૮માં લેવાયેલી ટેસ્ટના ઉમેદવારોને મળેલા ગુણ જાણવા માગતી ઓમકાર કલમાંકરની અરજી પર આદેશ અપાયો હતો. કોર્ટે સંબંધીત ઓથોરિટીને નિર્દેશ આપીને માહિતી અપાવા જણાવ્યું હતું. અરજદારે ટેસ્ટ આપી હતી પણ તેની પસંદગી થઈ નહોતી.
કોર્ટે નોંધ કરી હતી કે માહિતી અધિકાર કાયદાની જોગવાઈમાં એવી જ અંગત માહિતીને બાકાત રખાઈ છે જેને કોઈ જાહેર પ્રવૃત્તિ કે હિત સાથે સંબંધ ન હોય.
કલમાંકરે આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી પણ માહિતી અપવાનો ઈનકાર કરતાં હાઈકોર્ટમાં અરજી કરી હતી.