પોલીસ મથકે બલિ માટે બકરો લાવતાં પીએસઆઈ સસ્પેન્ડ, 8 જવાનોની બદલી
બકરા સાથેના ફોટા વાયરલ થતાં પોલીસ તંત્રમાં ધમાધમ
લાતુરના પોલીસ મથક વિસ્તારમાં ગુનાખોરી ઘટે તે માટે બલિનો દાવો, અન્ય દાવા અનુસાર અધિકારીએ નવું વાહન ખરીદ્યું તેની પાર્ટી હતી
મુંબઇ : લાતુરના ઉદ્ગીર પોલીસ સ્ટેશનમાં એક બકરાની કથિત રીતે બલિ આપવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક એસ.પી.એ તપાસ અહેવાલના આધારે એક સબ-ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કર્યા હતા અને આઠ કોન્સ્ટેબલની બદલી કરી નાંખી હતી. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં ગુનાખોરી ઘટે તે માટે બકરાની બલિ આપવામાં આવી હતી. જોકે એક થિયરી એવી પણ રજૂ ક રવામાં આવી રહી છે કે એક અધિકારીએ નવું વાહન લીધુ ંહતું તેની ખુશીમાં 'પાર્ટી' આપવા બકરાની બલિ આપવામાં આવી હતી. આ ઘટના બહાર આવતા જ રાજ્યના ડીસીએમ અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રકરણે તપાસ સહિત કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર બે દિવસ પહેલા લાતૂર જિલ્લાના ઉદ્ગીર પોલીસ સ્ટેશનમાં એક પોલીસ બસ-ઇન્સ્પેકટર અને અમૂક કોન્સ્ટેબલનો એક બકરા સાથેનો ફોટો સોશિયલ મીડિયા અને ન્યૂઝચેનલો પર વાયરલ થયો હતો. આ સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ પોલીસ મથકના વિસ્તારમાં ગુનાખોરી ઘટે તેવા આશય સાથે આ બકરાનો બલિ આપવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક એસ.પી. સૌમ્ય મુંડેએ એક અધિકારીને આ બાબતની સચ્ચાઇ જણાવવા અને અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું જેમાં આ ઘટનાને અંધશ્રદ્ધા સાથે કાંઇ લેવા-દેવા નહોતા પણ એખ અધિકારીએ નવી કાર ખરીદી હોવાથી તેની ખુશીમાં 'પાર્ટી' આપવા આ બકરો લાવવામાં આવ્યો હતો અને તેની બલિ આપવામાં આવી હતી.
આ બાબતના અહેવાલો સતત માધ્યમોમાં ફરતા થતા અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની તપાસનો આદેશ આપી કાર્યવાહી કરવા જણાવતા અંતે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણે સબઇન્સ્પેકટર આનંદ શ્રમંગલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આઠ પોલીસ કર્મચારીની બદલી જિલ્લા પોલીસ મુખ્યાલયમાં કરવામાં આવી હતી.