પુણે.ની યુનિ.માં રામલીલાના વિવાદમાં ધમાલને પગલે પીએસઆઈ સસ્પેન્ડ
સીતાના પાત્રને સિગરેટ પીતું દર્શાવવા સહિતના અભદ્ર સંવાદો બાબતે વિવાદ
એબીવીપી તથા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ સાથે નાટકના કલાકારોની મારપીટ કરી હતી
મુંબઈ : પુણેની સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી પરિસરમાં આવેલા લલિત કલા કેન્દ્રમાં ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સભ્યોએ લલિત કલા કેન્દ્રના પરિસરમાં આવેલા નોટીસ બોર્ડને નુકસાન પહોંચાડયુ અને તેના પર શાહી ફેંકી હતી. તેમજ સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે ત્યાં હાજર પોલીસ સબ ઈન્સપેક્ટર કથિત રીતે કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા હતા. તેથી તેમનેે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ કહ્યું હતું.
ગત શુક્રવારે લલિત કલા કેન્દ્ર દ્વારા ભજવવામાં આવેલ નાટક, જેને સત્તાવાર રીતે સેન્ટર ફોર પરફોમિંગ આર્ટ કહેવામાં આવે છે. તે રામલીલામાં વિવિધ ભૂમિકાઓ ભજવતા કલાકારોના પર્દાપાછળના જીવન પર આધારિત હતું. જેમાં સીતાનું પાત્ર ભજવતા એક પુરુષ કલાકારને સિગારેટ પીતા અને અપશબ્દોનો ઉપયોગ કરતા દર્શાવવામાં આવ્યો હતો.
જે બાદ એબીવીપીના સભ્યોએ નાટક સામે વાંધો ઉઠાવ્યો હતો અને નાટકને અટકાવ્યું હતું. તેમજ નાટકના કલાકારો સાથે મારપીટ પણ કરી હતી.
આ મામલામાં આરએસએસ સંલગ્ન એબીવીપીના સભ્યોના ફરિયાદ પર એક પ્રોફેસર અને પાંચ વિદ્યાર્થીઓની શનિવારે ે રામલીલા પર આધારિત નાટકનું મંચન કરીને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
તે જ દિવસે ે સાંજે, એબીવીપી અને ભાજપ સાથે જોડાયેલ ભારતીય જનતા યુવા મોરચાના કેટલાક સભ્યો સુત્રોચ્ચાર કરતા લલિત કલા કેન્દ્ર પરિસરમાં પ્રવેશ્યા હતા અને પરિસરમાં રહેલ એક નોટીસ બોર્ડને નુકસાન પહોંચાડયું હતું અને તેના પર શાહી પણ ફેંકી હતી, એમ એક અધિકારીએ કહયું હતું. આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાં હાજર રહેલા સબ ઈન્સપેક્ટ સચિન ગાડેકર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કંઈ કર્યું ન હતું.
તેમજ તેમણે પોલીસ મદદ માટે પણ ફોન કર્યો ન હતો. તો તેમના ઉપરી અધિકારીને પણ આ વિશે માહિતી આપી ન હતી. જે ફરજની બેદરકારી સમાન છે. અધિકારીના આ કૃત્ય માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.