Get The App

કેન્દ્ર સરકારના નવા મોટર કાયદા સામે મહારાષ્ટ્રમાં ટ્રક ડ્રાઇવરોનું આંદોલન : ઠેર ઠેર ચક્કાજામ, ટાયરો સળગાવ્યા

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકારના નવા મોટર કાયદા સામે મહારાષ્ટ્રમાં ટ્રક ડ્રાઇવરોનું આંદોલન : ઠેર ઠેર ચક્કાજામ, ટાયરો સળગાવ્યા 1 - image


એક પછી એક રાજ્યોમાં ભભૂકેલો વિરોધ

નવી મુંબઈ અને ઘોડબંદર રોડ પર ટ્રાફિક ખોરવાયો, પોલીસે આંદોલકોને હટાવ્યા

મુંબઇ :  કેન્દ્ર સરકારના નવા મોટર વાહન કાયદા સામે રાજ્ય ભરના ટ્રકચાલકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ કાયદાના વિરોધમાં આજ સવારથી સમગ્ર રાજ્યમાં ઠેક-ઠેકાણે રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે. આજે આંદોલકોએ રસ્તા પર ઉતરી ઠેર-ઠેર ચક્કાજામ કરવાની સાથે જ ટાયરો સળગાવી રસ્તાઓ પર અંતરાય ઊભા કરવાના પ્રયાસો કર્યા હતા. જોકે પોલીસે આંદોલકોને સમજાવી અને જરૃર પડયે બળપ્રયોગ કરી રસ્તાઓ ક્લિયર કરવાનું કામ કર્યુ ંહતું. 

કેન્દ્ર સરકારના નવા મોટર કાયદા અનુસાર હવે અકસ્માત માટે જવાબદાર ટ્રકચાલકને દસ વર્ષની સજા અને સાત લાખ રૃપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અકસ્માત બાદ જખ્મીને મદદ ન કરતા ત્યાંથી ભાગી છૂટનાર વાહન ચાલકો સામે ફોજદારી (ક્રિમિનલ) ગુનો દાખલ કરવાના સરકારના નિર્ણયથી રોષે ભરાયેલા ટ્રક ચાલકોએ ચક્કાજામ આંદોલન કર્યું હતું. 

મુંબઈમાં નવી મુંબઈ અને ઘોડબંદર રોડ પર આંદોલકોએ ચક્કાજામ કરવાના પ્રયાસો કર્યા હતા. આજે સવારે આંદોલક ટ્રક ડ્રાઇવરો સાયન-પનવેલ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને બેલાપુર પાસે હાઇવે જામ કરી દીધો હતો. આ ઘટનાને લીધે નવી મુંબઈના મુખ્ય રસ્તા પર ભારે ટ્રાફિક જામ સજાર્યો હતો. આવી જ રીતે ઘોડબંદર રોડ પર પણ ટ્રક ચાલકો દ્વારા આંદોલન કરી ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઘોડબંદર રોડ પર ફાઉન્ટન હોટલ પાસે આંદોલકોએ ચક્કાજામ કરતા ભારે ટ્રાફિકજામ થયો હતો. દરમિયાન નવી મુંબઈ અને ઘોડબંદર રોડ  પર પોલીસે સખત વલમ દર્શાવી આંદોલકોને હટાવી રસ્તો ક્લિયર કર્યો હતો. દરમિયાન નવી મુંબઈમાં આંદોલકો અને પોલીસ સામ-સામે આવી જતા થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

મહારાષ્ટ્રમાં નાગપુર-ભંડારા હાઇવે, બુલઢાણામાં મલકાપૂર-ઘોડસગાવ હાઇવે, છત્રપતિ સંભાજી નગરમાં બિડકીન અને અજંટાના શિવના ખાતે આંદોલકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આ સિવાય નામિક જિલ્લાના નાંદગાવના પાનેવાડીમાં ટેન્કર ચાલકોએ કામ બંધ કરી ૧૦૦૦ હેવી વાહનો રસ્તા કિનારે પાર્ક કરી આંદોલન કર્યું હતું. પાનેવાડીમાં ફ્યુલ ડેપો હોવાથી ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ-ડિઝલ અને એલપીજી ફિલિંગ સ્ટેશન અહીં થતા જાલના, ધૂળે, છત્રપતિ સંભાજી નગરના પુરવઠાને અસર થઈ શકે છે તેવું પેટ્રોલપંપ ડીલર્સ એસોસિયેશનના સેક્રેટરી અકીલ અબ્બાસે જણાવ્યું હતું.

આ સંદર્ભે એક આંદોલક અને ટેન્કર ડ્રાઇવર સૈયદ વાજેદે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે હીટ એન્ રનના કેસમાં નવા કાયદા હેઠળ દસ વર્ષની જેલની સજા અને સાત લાખના દંડની જોગવાઈ કરી છે. અમારા જેવા નાના વ્યક્તિઓ કઈ રીતે આવો મોટા દંડ ભરી શકે છે.



Google NewsGoogle News