‘લિગસીઃધ જિનેશ્વર' ફિલ્મનો વિરોધઃ થિયેટરો સામે જૈનો કાળા વાવટા ફરકાવશે
અગાઉ વાંધો લેવાયો તો ફિલ્મનું નામ બદલી સેન્સર સર્ટિફિકેટ મેળવ્યું
શુક્રવારે રીલિઝના વિરોધમાં માહિતી પ્રસારણ મંત્રાલયને દેશભરમાંથી હજારો ઈમેઈલ મોકલાયાઃ ભગવાનનાં પાત્રો કોઈ એક્ટર ભજવે તે માન્ય નથી
મુંબઈ : શુક્રવારે રિલિઝ થનારી 'લિગસીઃધ જિનેશ્વર (મહાવીર) ફિલ્મનો વિરોધ કરવાનો દેશભરના જૈનોએ નિર્ધાર કર્યો છે. જે થિયેટરમાં ફિલ્મ પ્રદર્શિત થાય તેની બહાર કાળા વાવટા ફરકાવી અહિંસક રીતે વિરોધ વ્યક્ત કરવાની જૈનોને અપીલ કરવામાં આવી છે.
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનની અખબારી યાદીમાં જણાવાયા મુજબ સમગ્ર જૈન સંઘના વિરોધ છતાં પ્રોડયુસરોએ 'લિગસીઃધ મહાવીર' ટાઈટલ બદલાવીને 'લિગસીઃધ જિનેશ્વર' કરી નાખ્યું હતું. જૂની પ્રીવ્યૂ કમિટીની જાણ બહાર ફિલ્મનું ટાઈટલ બદલાવીને ફિલ્મ રિલિઝ કરવાનું સર્ટિફિકેટ સીબીએફસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) પાસેથી મેળવી લીધું હતું. આમ ફિલ્મને શુક્રવારે રિલિઝ કરવામાં આવનાર છે. તેની સામે જોરદાર વિરોધ કરવા માટે શ્વેતાંબર જૈન સંઘો કટીબદ્ધ બન્યા છે.
અગાઉ શ્રી મુંબઈ જૈન સંઘ સંઘને હ્યુમન રાઈટ્સ કમિશનમાં સંબંધિત ફિલ્મ સામે એક પિટિશન ફાઈલ કરી હતી. જેનાં દ્વારા ફિલ્મની રિલિઝ અટકાવવામાં આવી હતી. ત્યાર બાદ શ્વેતાંબરના છ સભ્યોને આ પિક્ચરનો પ્રીવ્યુ દેખાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન અને ગણધર ભગવાનના પાત્રો કોઈ સામાન્ય એક્ટર ભજવે તે જૈન શાસનને માન્ય નથી. અને એ બાબતમાં જેટલા વાંધાજનક દ્રશ્યો હતા તેનો વિગતવાર રિપોર્ટ મુંબઈ જૈન સંઘ સંઘને સીબીએફસીમાં ફાઈલ કર્યો હતો. છતાં શુક્રવારે ફિલ્મ રિલિઝ કરવામાં આવનારી છે. તેની સામે જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે.
મુંબઈ ઉપરાંત સુરત, અમદાવાદ, ચેન્નઈ અને બેંગ્લોર વગેરે શહેરોના જૈન સંઘોમાં ફિલ્મનો વિરોધ કરવા માટેનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. ફિલ્મ રિલિઝ થતી અટકાવવા કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરને છ હજાર ઈ-મેલ મોકલવામાં આવ્યાં છે.