મુંબઈમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કેબલ ટેક્સી પણ ઉમેરવાની દરખાસ્ત
રસ્તાઓ પરની ગીચતા ઘટાડવા માટે સાનુકૂળ વિકલ્પ હોવાનો દાવો
બીકેસીમાં પોડ ટેક્સીનો પ્રોજેક્ટ ઓલરેડી હાથ ધરાયો છે ત્યાં હવે સમગ્ર મુંબઈ સહિત સમગ્ર એમએમઆરમાં યુરોપ જેવી કેબલ ટેક્સની તરફેણ
મુંબઈ : મુંબઈમાં હાલ લોકલ ટ્રેનો, મેટ્રો ટ્રેનો, મોનો રેલ તથા બેસ્ટ બસની સેવાઓ પર લોકો આધાર રાખી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ઉપરાંત સમગ્ર એમએમઆરમાં કેબલ ટેક્સી શરુ કરવાની પણ દરખાસ્ત હાથ ધરી છે. યુરોપના અનેક શહેરોમાં આવી કેબલ ટેક્સી સફળ થઈ હોવાનો દાવો કરી મુંબઈમાં પણ રસ્તાઓ પરની ગીચતા નિવારવા તથા લોકલની ભીડ ઘટાડવા માટે આવો પ્રોજેક્ટ હાથ ધરી શકાય તેમ છે તેવી દલીલ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે મુંબઈમાં રસ્તાઓ પરની ગીચતા નિવારવા માટે કેબલ ટેક્સની સાનુકૂળ બની શકે છે. હવે મુંબઈમાં રસ્તાો પર વધારે વાહનો સમાવી શકવાની ક્ષમતા રહી નથી. કેબલ ટેક્સી રસ્તા પર સ્પેસ નહીં રોકે અને તેથી આ વિકલ્પ અજમાવવો જોઈએ.
પરિવહન પ્રધાન તરીકે ચાર્જ લીધા બાદ તેમણે કહ્યું હતું કે યુરોપના અનેક શહેરોમાં કેબલ ટેક્સી ચાલે છે અને લોકો મોટાપાયે તેનો ઉપયોગ કરે છે. મુંબઈમાં હવે વધુ વાહનો સમાવી શકવાની મર્યાદા આવી ગઈ છે. જોકે, અમે એમએમઆરમાં જ જળ પરિવહન પણ વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ, તેમ છતાં પણ, પરિવહનના બીજા આધુનિક વિકલ્પો પર પણ નજર દોડાવવાની જરુર છે અને કેબલ ટેક્સી આવો આદર્શ વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે.
તેમણે કહ્યું હતું કે મુંબઈ ઉપરાંત સમગ્ર મેટ્રોપોલિટન રિજિયનમાં પણ ૧૫થી ૨૦ લોકો બેસી શકે તેવી કેબલ ટેક્સી શરુ કરવામાં આવે તો રસ્તાઓ પરના ટ્રાફિકને ઘટાડવામાં મદદ મળશે. તેમણે કહ્યું હતું કે જો આપણે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો દોડાવી શકતા હોઈએ તો કેબલ ટેક્સી પણ ચલાવી જ શકીએ તેમ છીએ. કેબલ ટેક્સી માટે રોપ વે ઊભા કરવા પડશે પરંતુ તેને બાદ કરતાં તે રસ્તાઓ પર કોઈ વધારે જગ્યા રોકશે નહીં.
તેમણે એવું પણ કહ્યું હતું કે આ કેબલ ટેક્સી સેવાઓનું સંચાલન મહારાષ્ટ્ર સરકારના પરિવહન વિભાગ હસ્તક રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે હાલ મુંબઈમાં લોકલ ટ્રેનોનું સંચાલન ભારતીય રેલવે કરે છે જ્યારે બેસ્ટ સેવાઓ મુંબઈ મહાનગરપાલિકા ચલાવે છે. મેટ્રો સેવાઓનું સંચાલન મેટ્રો કોર્પોરેશન કરે છે.
કેબલ ટેક્સી કેવી હોય ?
પોડ ટેક્સીના નામે પણ ઓળખાતી કેબલ ટેક્સી એટલે કદમાં નાની અને ડ્રાઈવરલેસ કાર હોય છે. તેમાં છ, આઠ કે દસ લોકો બેસી શકે તેટલી જગ્યા હોય છે. રસ્તા પર થાંભલાં ઊભા કરીને કે રોપ બે બાંધીને તેના પર તે દોડાવવામાં આવે છે. આ ચોક્કસ મર્યાદિત રુટો પર જ તે દોડી શકે છે. કેબલ ટેક્સી સોલાર એનર્જી કે ઈલેક્ટ્રિસિટીથી ચાલતી હોઈ શકે છે. તે રસ્તાઓ પર જગ્યા રોકતી નથી. તે પોઈન્ટ ટૂ પોઈન્ટ કોઈ અડચણ વિના સડસડાટ દોડી શકે છે.
બેંગ્લુરુનો પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો
ભારતમાં કેબલ ટેક્સીનો આઈડિયા સાવ નવો પણ નથી. છેક, ૨૦૧૭માં બેંગ્લુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને બેંગ્લુરુમાં કેબલ ટેક્સી દોડાવવાનું નક્કી કર્યું હતું. બેંગ્લુરુ આમ પણ કીડીની ગતિએ ચાલતા ટ્રાફિક માટે બદનામ હોવાથી આ પ્રોજેક્ટ વિચારાયો હતો. જોકે, ફિઝિબિલિટી રિપોર્ટ બાદ કર્ણાટક સરકારે એમ કહીને આ પ્રોજેક્ટ ફગાવી દીધો હતો કે આ સિસ્ટમ વધારે પડતી ખર્ચાળ સાબિત થાય તેમ છે અને તેના પ્રમાણમાં ટ્રાફિકને ઘટાડવામાં તેની અસરકારતા બહુ વધારે જણાતી નથી.
બીકેસીમાં પોડ ટેક્સીના પ્રોજેક્ટ સામે અનેક સવાલ
બીકેસીમાં કુર્લા અને બાન્દ્રાનાં લોકલ સ્ટેશનો વચ્ચે પોડ ટેક્સી ચલાવવાનો પ્રોજેક્ટ એમએમઆરડીએ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. એક ખાનગી કંપનીને આ પ્રોજેક્ટ સાકાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જોકે, આ પ્રોજેક્ટ સામે અત્યારથી સવાલો ઉઠી રહ્યા છે. આશરે એક હજાર કરોડના આ પ્રોજેક્ટમાં કિમી દીઠ ૨૧ રુપિયાનો ચાર્જ લેવાની દરખાસ્ત છે. તેમાં દર વર્ષે ૧૫ ટકાનો વધારો કરવાની દરખાસ્ત પણ છે. પરિવહન નિષ્ણાતો માને છે કે મુંબઈ જેવાં શહેરમાં કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે આ બહુ જ વધારે પડતો ચાર્જ છે. અત્યારે મેટ્રો થ્રી પણ ઊંચા ટિકિટ ભાડાંને કારણે ફલોપ થઈ ગઈ છે. બીકેસીના કોઈપણ સ્થળેથી કુર્લા કે બાન્દ્રા સ્ટેશન માટે ઓછામાં ઓછા ત્રણ કિમીનું અંતર કાપવું પડે આ સંજોગોમાં એક વાર પ્રવાસના ૬૦થી ૬૫ રુપિયા અને દિવસમાં આવવા જવાના ૧૩૦ રુપિયા કોઈને પોસાય નહીં. આ ઉપરાંત કુર્લા અને બાન્દ્રા સ્ટેશનના ગીચ તથા સાંકડા વિસ્તારમાં આ પોડ ટેક્સી માટે ટર્મિનલ બનાવવાની જગ્યા શોધવી અઘરી પડશે. આ વિસ્તાર બુલેટ સ્ટેશન, મેટ્રો થ્રી, મેટ્રો ટૂ બીની લાઈનો છે તેની વચ્ચેથી પોડ ટેક્સીનું નેટવર્ક ગોઠવવુ ંપણ મુશ્કેલ બનશે.