મહિલા મેનેજરની સાંઠગાંઠથી બેન્ક લોકરમાંથી 2.78 કરોડની માલમત્તાની ચોરી
અન્ય ગ્રાહકે મહિલા મેનેજરની મદદથી જ લોકર ખોલ્યું
ભુલમાં ન ભુલમાં અન્ય વ્યક્તિને લોકર ખોલવા આપ્યું હોવાનો મેનેજરનો દાવોઃ દાગીના ઓગાળી દેનારા જ્વેલર સહિત 3 સામે ફરિયાદ
મુંબઇ : પુણેના લશ્કર વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના લોકરમાંથી ૨.૭૮ કરોડ રૃપિયાની સોના અને હીરાની કિંમતી વસ્તુઓ અને રોકડની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ પ્રકરણે ખાનગી બેંકની મહિલા મેનેજર સહિત ત્રણ જણ સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે એવું જાણવા મળ્યું છેકે ફરિયાદીનું બેંક લોકર અન્ય ગ્રાહકે ખોલી બેંક મેનેજરની મદદથી આ કૃત્ય આચર્યું હતું અને આ કિંમતી વસ્તુઓ એક ઝવેરીને વેચી હતી જેણે દાગીના ઓગાળી નાંખ્યા હતા.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર યશ ક્યૂર (૪૭) નામના ફરિયાદી એક ફૂડ કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે. ફરિયાદીના પિતા કેશવલાલ કપૂરે અહીંના અરોરા ટાવરમાં આવેલી એક ખાનગી બેંકમાં લોકર લઇ કુલ મળી અંદાજે ૨.૭૮ ક રોડની કિંમતના સોના અને હીરાના દાગીના અને અમૂક રોકડ રકમ મૂકી હતી. કેશવલાલના મૃત્યુ પછી આ લોકર ફરિયાદી યશ કપૂર અને તેમના પત્નીના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. બે મહિના પહેલા જ્યારે તેમણે આ લોકર ખોલીને જોયું ત્યારે મૂલ્યવાન સોના અને હીરાના દાગીના સહિત રોકડ રકમ અકબંધ હતી. આ દરમિયાન સુરેંદર સહાની નામના એક વરિષ્ઠ નાગરિકે પણ આ બેંકમાં લોકર લીધું હતું.
છઠ્ઠી સપ્ટેમ્બરના ફરિયાદી બેંકમાં આવ્યા હતા અને લોકર ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ લોકર ખૂલ્યું નહોતું તેથી તેમણે બેંકના અન્ય અધિકારીઓને બોલાવી લોકર ખોલવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં લોકર ખૂલ્યું નહોતું. તેથી બેન્કના સત્તાવાળાઓએ લોકર ખૂલતા ત્રણથી ચાર દિવસ લાગશે તેમ જણાવતા ફરિયાદી ત્યાંથી નીકળી ગયા હતા.
બીજા દિવસે મેનેજરે ફરિયાદીને તાત્કાલિક બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે બેંકના અન્ય એક ગ્રાહક સુરેંદર સહાનીએ તેમનું લોકર ભૂલથી પોતાનું સમજી ખોલ્યું હતું અને તેમાં રાખેલ ૨.૭૮ કરોડની મત્તા અને મહત્વના કાગળો બેંકના કોઇપણ નિયમોનું પાલન કર્યા વગર કાઢી ગયા છે. સહાનીએ આ દાગીના સતિશ પંજાબી નામના ઝવેરીને આપ્યા હતા જેણે કોઇપણ તપાસ કર્યા વગર આ દાગીના પુરાવા નષ્ટ કરવાના આશયથી ગાળી નાંક્યા હતા. તેવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે સહાની અને ફરિયાદીના લોકરનો નંબર એકસરખો અને મળતો આવતો હોવાથી આ ભુલ થઇ છે.
આ પ્રકરણે યશ કેશવલાલ કપૂર (૪૭)ની ફરિયાદના આધારે કેમ્પ (લશ્કર) પોલીસે બેંકના મહિલા મેનેજર નયના અજવાની, સુરેંદર સહાની અને ઝવેરી સતિશ પંજાબી સહિત અન્ય અજાણી વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૩૮ ૩(૪), ૩૦૪, ૩૧૪ અને ૩૧૬(૫) ૩૧૭ હેઠળ ગુનો નોંધી આ સમગ્ર ઘટના બાબતે ઉંડી તપાસ આદરી છે.