Get The App

પ્રોપર્ટી રજિ. -સ્ટેમ્પ ડયૂટીની આવક 5700 કરોડ વધીને 50400 કરોડ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
પ્રોપર્ટી રજિ. -સ્ટેમ્પ ડયૂટીની આવક  5700 કરોડ વધીને 50400 કરોડ 1 - image


ગત વર્ષની સરખામણીમાં 13 ટકાની  વૃદ્ધિ નોંધાઈ

ગત નાણાં વર્ષમાં 27.5 લાખ પ્રોપર્ટી રજિસ્ટર્ડ થઈઃ અભય યોજનાને કારણે સ્ટેમ્પ ડયૂટીની આવક પણ વધી ચ

મુંબઇ :  રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીના પગલે મહારાષ્ટ્ર સરકારની સ્ટેમ્પડયૂટી રજિસ્ટ્રેશનની આવકમાં ૧૩ ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૃ. ૫૦,૪૦૦ કરોડનું કલેકશન થયું હતું જે વર્ષ ૨૦૨૨-૨૩ના રૃ. ૪૪,૬૮૨ કરોડના કલેક્શનથી રૃ. ૫૭૦૦ કરોડ વધુ છે.

૩૧મી માર્ચ સુધીમાં ૨૭.૫ લાખ પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના ડોક્યુમેન્ટ્સ નોંધાયા હતા. જેમાં રિયલ એસ્ટેટના સોદા અને સંપનીઓ વચ્ચેના કરારનો સમાવેશ થાય છે. એક વર્ષ અગાઉ એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫.૭૬ લાખ અને તેના એક વર્ષ અગાઉ ૨૩.૮૪ લાખ ડોક્યુમેન્ટ્સ નોંધાયા હતા.

રેડી રેકનર રેટ્સ યથાવત્ રાખવાના સરકારના નિર્ણયથી પ્રોપર્ટી ખરીદનારાઓને રાહત થઈ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં સ્ટેમ્પડયૂટીની આવકમાં ધૂમ વધારો થવા પાછળ સરકારની સક્રિયતાએ પણ ભૂમિકા ભજવી હતી.

વિવાદ હેઠળના કેસ માટે અભય યોજના દાખલ કરવાથી સરકારને રૃ. ૨૫૮ કરોડનો લાભ થયો હતો. જૂના લેણાં પ્રાપ્ત કરવાની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવતા આવક વધી હતી.

ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશને કહ્યું કે 'વિભાગે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા, પીડબ્લ્યૂડી અને સહકાર વિભાગ સાથે જોડાણ કરીને ટેન્ડરના કરાર પરની સ્ટેમ્પડયૂટી પ્રાપ્તિ કરી હતી અને ૫૦૦ કરોડ રૃપિયાથી વધુ મહેસુલીઆવક ભેગી થઈ શકી હતી. 

મહારાષ્ટ્રમાં સરકારની મહેસુલી આવકમાં જીએસટી અને સેલ્સ ટેક્સ પછી રિયલ એસ્ટેટનો ફાળો સૌથી વધુ છે.



Google NewsGoogle News