પુત્રને ભેટ આપેલી મિલ્કત તેના નિધન બાદ પુત્રવધૂ પાસેથી પાછી ન મેળવી શકાય
હાઈકોર્ટે સિનિયર સિટિઝન બોર્ડના ચુકાદને પલટાવ્યો
આ કેસ મિલકત સંબંધી છે, વરિષ્ઠ નાગરિકના કલ્યાણ કે દેખભાળ સંબંધી નહીં તેવી નોંધઃ પુત્રવધૂ પાસેથી ભરણપોષણ પણ ન માગી શકાય
મુંબઈ : મિલકતના વિવાદમાં કોર્ટે આપેલા મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઈ કોર્ટે નોધ કરી હતી કે પુત્રને ભેટમાં આપેલી સંપત્તિ સાસરીયા પુત્રના મૃત્ય બાદ પુત્રવધૂ પાસેથી પાછી માગી શકાય નહીં.
પુત્રને કોઈ સ્વરૃપે આપેલી સંપત્તિ તેના મૃત્યુ બાદ માતાપિતાને પાછી આપવાનો આદેશ પુત્રની પત્નીને આપી શકાય નહીં એમ હાઈકોર્ટે જણાવીને સિનિયર સિટિઝન બોર્ડે વરિષ્ઠ નાગરિક દંપતીની તરફેણમાં આપેલો ચુકાદો રદ કર્યો હતો. આ વિવાદ દેખભાળ અને કાળજી સંબંધી નથી તે સંપત્તિ સંબંધી હોવાનું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું.
૧૯૯૬માં પ્રતિવાદી સાસુ-સસરાએ મોટા પુત્રને કંપનીમાં ભાગીદાર તરીકે સહભાગી કર્યો હતો. લગ્ન બાદ પુત્ર અને પુત્રવધૂ બંનેજી બે કંપની શરૃ કરી હતી. ભાગીદારીમાંથી મળેલા કંપનીના નફામાંથી પુત્રે ૧૮ મિલકત ખરીદી કરીને બેન્ક પાસે લોન લેવા ગિરવે મૂકી હતી. ૨૦૧૪માં પ્રતિવાદીઓએ આ પુત્રને ભેટ સ્વરૃપે ચેમ્બુર ખાતેનું ઘર અને ભાયખલા ખાતેનો ગાળો આપ્યો હતો. ૨૦૧૫ની જુલાઈમાં પુત્રનું નિધન થતાં પુત્રવધૂએ પ્રતિવાદીઓને સંપત્તિમાં ભાગ આપવાનો ઈનકાર કર્યો હતો. જેથી વરિષ્ઠ દંપતીએ કોર્ટમાં અરજી કરી હતી.
૨૦૧૮માં કોર્ટે પુત્રને ભેટ આપવા માટેનું બક્ષીસપત્ર રદ કરીને પુત્રવધૂને મિલકત પરનો તાબો પાછો આપવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદના દિવસથી લઈને દર મહિને રૃ. ૧૦ હજાર દેખભાળ ખર્ચ આપવાનો પણ આદેશ પુત્રવધૂને આપ્યો હતો. વરિષ્ઠ દંપતી કંપનીના માલિક હોવાથી ભાગીદારીમાં કંપનીના ઉત્પન્નમાંથી લીધેલી મિલકત પર તેમનો હક્ક હોવાનો નિર્ણય આપવાની સત્તા બોર્ડ પાસે નથી એમ કોર્ટે જણાવ્યું હતું.
કાયદામાં જણાવ્યા અનુસાર વયોવૃદ્ધ માતાપિતાની ભૌતિક અને મૂળભૂત જરૃરિયાત પૂર્ણ કરવા પુત્ર અસમર્થ હોય અથવા તેમણે ઈનકાર કર્યો હોય તો તેમણે આપેલી સંપત્તિનું બક્ષીસપત્ર રદ કરી શકાય છે. આ કેસમાં દંપતીએ કોર્ટમાં આવવા પૂર્વે તેમના પુત્રનું નિધન થયું હતું. આથી પુત્રવધૂ પર ભેટ સ્વરૃપમાં મળેલી સંપત્તિ પાછી કરવાનું કાયદેસર બંધન નહોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું છે. પાલક અને વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અને કલ્યાણ કાયદા અનુસાર પુત્રની વ્યાખ્યામાં પુત્રની પત્ની અર્થાત પુત્રવધૂનો ઉલ્લેખ અથવા સમાવેશ નહોવાથી તેની પાસેથી દેખભાળ ખર્ચ માગી શકાય નહી , એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.