મુંબઈમાં ઓક્ટો.માં પ્રોપર્ટી સોદામાં 11 વર્ષનો વિક્રમ તૂટયો

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
મુંબઈમાં ઓક્ટો.માં પ્રોપર્ટી સોદામાં 11 વર્ષનો વિક્રમ  તૂટયો 1 - image


શહેરમાં પ્રોપર્ટીના 80 ટકા સોદા રહેણાંક મિલ્કતોના

સમગ્ર વર્ષ દરમ્યાન 1 લાખથી વધુ રજિસ્ટ્રેશનમાં 1 કરોડથી વધુ કિંમતના ફ્લેટો સૌથી વધારે વેંચાયા

મુંબઈ :   મુંબઇમાં ઓક્ટોબર મહિનામાં મિલકત નોંધણીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં ૧૦,૬૦૧ કન્વેયન્સ ડીડ સાથે રાજ્ય સરકારને ૮૩૫.૩૨ કરોડ રૃપિયાની નોંધપાત્ર આવક થઈ હતી. આ આંકડા છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી વધુ હતા. રાજ્ય સરકારના રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર આ રજિસ્ટ્રેશનો પૈકી ૮૦ ટકા રહેણાંકની જગ્યા માટે હતા જ્યારે બાકીના ૨૦ ટકા બિન-રહેણાંક મિલકતો માટે હતા. એક કરોડથી વધુ કિંમતના ઘરોનું સૌથી વધુ વેચાણ થયું હતું.

મુંબઈમાં વર્તમાન વર્ષના પ્રથમ દસ મહિનામાં એક લાખથી વધુ યુનિટો સાથે અભૂતપૂર્વ સંખ્યામાં રજિસ્ટ્રેશન થયા હતા અને તેમાંથી નવ હજાર કરોડથી વધુ આવક થઈ હતી. આવકમાં આવેલો ઉછાળો મિલકતોની વધુ કિંમત તેમજ સ્ટેમ્પ ડયુટીના વધુ દરને કારણે થયો હોવાનું માનવામાં આવે છે.

શહેરના રિયલ એસ્ટેટના ડેવલપરોના મતે રજિસ્ટ્રેશનમાં આવેલો ઉછાળો તહેવારોની સીઝનને આભારી હતો અને તેઓ સ્થાનિક તેમજ એનઆરઆઈ બંને ખરીદદારો તરફથી સકારાત્મક વલણ ચાલુ રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે. અગ્રણી ડેવલપરો માને છે કે ૨૦૨૩ના અંત સુધીમાં છેલ્લા દાયકામાં સૌથી વધુ વાર્ષિક રજિસ્ટ્રેશનનો રેકોર્ડ સર્જાશે.

નિષ્ણાંતો મતે ઓક્ટોબર મહિનામાં દસ હજારથી વધુ મિલકતોના સોદા મુંબઈના રિયલ એસ્ટેટ બજારમાં તેજી દર્શાવે છે. તેમના મતે વધુને વધુ લોકો સારી મિલકત પસંદ કરી રહ્યા છે જે મિલકતોની વધતી કિંમત અને સ્થિર આર્થિક સ્થિતિ દર્શાવે છે.



Google NewsGoogle News