સરોગસી માટે ડોનરના શુક્રાણું અને ઈંડાના ઉપયોગની મનાઈ
બાળકનું હિત અને લાગણીયુક્ત સંબંધ જરૃરી
સરોગસી માટે અનૈતિક પ્રવૃત્તિઓ પ્રચલિત થયા પછી કાયદાથી તેનું નિયમન કરવા કાયદો બનાવાયો
મુંબઈ : ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માતા-પિતા અને બાળક વચ્ચે ભાવનાત્મક બંધનના સંભવિત અભાવને ટાંકીને સરોગસી માટે દાતાના શુક્રાણુ અને ઇંડાનો ઉપયોગ કરવા દેવાનો ઇનકાર કર્યો છે. મંત્રાલયે દાતાના શુક્રાણુનો ઉપયોગ કરવાની પરવાનગીની વિનંતી કરતી અરજીને ફગાવી દેવાની માગણી કરી હતી. સરોગસીના નવા નિયમો માત્ર પોતાના જ શુક્રાણુના ઉપયોગની મંજૂરી આપે છે.
નવી મુંબઈના એક યુગલે ે આરોગ્ય મંત્રાલયના માર્ચ મહિનાના પરિપત્રને પડકાર્યો હતો જેમાં સરોગસી ઈચ્છતા યુગલ માટે શુક્રાણુના દાતા પર પ્રતિબંધ મુકાયો હતો અને સિંગલ માતાઓને ડોનરના ઈંડાના ઉપયોગની મનાઈ કરી હતી.
યુગલની દલીલ હતી કે આવા વ્યાપક પ્રતિબંધને કારણે સરોગસી ઈચ્છતા અનેક યુગલોને તેના દાયરામાંથી બહાર રાખશે અને તે ભેદભાવપૂર્ણ બનશે.
નેશનલ બોર્ડની નિષ્ણાંત સંસ્થાએ બાળકના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખવાની દલીલ કરી છે. સુરક્ષિત અને નૈતિક પ્રથાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી એઆરટી ક્લિનિકનું નિયમન અને દેખરેખ ૨૦૨૧ના એસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલોજી (રેગ્યુલેશન) એક્ટ દ્વારા થાય છે.
અનૈતિક પ્રવૃત્તિઓ, સરોગેટ માતાના શોષણ અને માનવીય શુક્રાણુ અને ગર્ભની આયાતના અહેવાલો વચ્ચે દેશમાં સરોગસી (નિયમન) એક્ટ ૨૦૨૧માં પસાર કરાયો હતો. કેન્દ્રિય મંત્રાલયે જણાવ્યું કે સરોગેટ માતાનો બાળક સાથે જેનેટીક સંબંધ ન હોવો જોઈએ, પણ ઈચ્છુક યુગલ અથવા સિંગલ માતાનો બાળક સાથે જેનેટીક સંબંધ હોવો જોઈએ જેથી બાળક પ્રત્યે માતાપિતાને લાગણી થાય.