બડે મિયાંના નિર્માતાએ ડાયરેક્ટર પર ઉચાપતનો વળતો કેસ કર્યો
અલી અબ્બાસે અબુધાબીના પૈસા મારી ખાધા
ડાયરેક્ટરે સાડા સાત કરોડ બાકી હોવાનો દાવો કર્યા બાદ જેકી ભગનાનીનું વળતું પગલું
મુંબઈ : અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની સુપર ફલોપ ફિલ્મમાં નાણાંકીય ગોલમાલનો વિવાદ વકર્યો છે. અગાઉ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે પોતાને ફીના બાકી સાડા સાત કરોડ રુપિયા નહિ મળ્યા હોવાનો દાવો માંડયા બાદ હવે પ્રોડયૂસર જેકી ભગનાની તથા તેમના દીકરા અને એક્ટર જેકી ભગનાનીએ અલી અબ્બાસ ઝફરે પૈસા મારી ખાધા હોવાની વળતી પોલીસ ફરિયાદ કરી છે.
વાસુ અને જેકી ભગનાનીએ બાન્દ્રા પોલીસને આપેલી ફરિયાદ અનુસાર અબુધાબીમાં શૂટિંગ માટે ત્યાંની સરકાર તરફથી સબસિડી મળી હતી પરંતુ આ રકમની અલી અબ્બાસ ઝફરે ઉચાપત કરી લીધી છે. તેમના દાવા અનુસાર બાન્દ્રા પોલીસ ટૂંક સમયમાં આ ફરિયાદ બાબતે અલી અબ્બાસ ઝફરને સમન્સ પાઠવવાની છે.
આ ફરિયાદમાં ફિલ્મના લેખક હિમાંશુ રાવ તથા એકનાથ રણદીવેને પણ આરોપીએ તરીકે દર્શાવાયા છે. તેમના દાવા અનુસાર અલી અબ્બાસ ઝફર તથા અન્યોએ એક શેલ કંપની ઊભી કરી હતી અને તે મારફત પૈસાની ઉચાપત કરી છે.
અગાઉ અહેવાલો હતા કે અલી અબ્બાસ ઝફર ઉપરાંત આ જ નિર્માતાઓની ફિલ્મ 'મિશન રાણીગંજ'ના દિગ્દર્શક ટિનુ દેસાઈ તથા આ જ નિર્માતાઓની ફિલ્મ 'ગણપત'ના દિગ્દર્શક વિકાસ બહલે પણ તેમને ફીના પૈસા નહિ મળ્યા હોવાનો દાવો કલાકાર કસબીઓના સંગઠનમાં કર્યો છે.