આરટીઈમાંથી ખાનગી શાળાને બાકાત રાખતું જાહેરનામું હાઈકોર્ટ દ્વારા રદ
ગ્રાન્ટેડ સ્કૂલથી એક કિમીની ત્રિજયામાં આવેલી ખાનગી શાળાને છૂટ અપાઈ હતી
મહારાષ્ટ્ર સરકારનું જાહેરનામું બંધારણના આર્ટિકલ ૨૧ અને આરટીઈના કાયદાની ભાવનાથી વિરુદ્ધ હોવાનું જણાવી હાઈકોર્ટે ફગાવ્યું
જે શાળાએ વિદ્યાર્થીઆના એડમિશન કરી દાધા છે તેને કાયમ રાખીને પચ્ચીસ ટકા આરક્ષીત સિટો ભરવાની રહેશે
મુંબઈ : સરકારી અને અનુદાનિત શાળાથી એક કિ.મી.ના પરિસરમાં કાર્યરત સેલ્ફ ફાઈનાન્સ્ડ ખાનગી શાળાને આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) પ્રવેશમાંથી છૂટ આપવાની રાજ્ય સરકારની નવ ફેબુ્રઆરીની નવી નિયમાવલીને બોમ્બે હાઈ કોર્ટે રદબાતલ કરી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ઉપાધ્યાય અને ન્યા. બોરકરની ડિવિઝન બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે સરકારનું નોટિફિકેશન બંધારણના અનુચ્છેદ ૨૧નો ભંગ કરનારું છે અને બાળકોને નિશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અપાયા ૨૦૦૯ (આરટીઈ)ની જોગવાઈથી વિરુદ્ધ છે. આથી જાહેરનામાને રદબાતલ કરવામાં આવે છે.
મેમાં જાહેરનામાના અમલને સ્થગિતી આપવામાં આવી એ પહેલાં કેટલીક ખાનગી બિનઅનુદાનિત શાળાઓએ વિદ્યાર્થીઓને એડમિશન આપી દીધા હોવાની કોર્ટે નોંધ કરી હતી. આ એડમિશનોને રદ કરાશે નહીં પણ શાળાએ આરટીઈ હેઠળ પચ્ચીસ ટકા બેઠકના ક્વોટા ભરવામાં આવે એની તકેદારી લેવાની રહેશે.
કોઈ પણ નિયમ કે ફેરફાર મૂળ કાયદાને આધીન- હોવો જરૃરી છે એમ સ્પષ્ટ કરીને શિક્ષણાધિકાર હેઠળ આરક્ષીત અને વંચિત ઘટકોના વિદ્યાર્થીઓને માટે આરક્ષીત ૨૫ ટકા સિટ પર એડિમશન પ્રક્રિયાથી બિનઅનુદાનીત શાળાને બાદ કરવાના નિર્ણયને કોર્ટે છઠ્ઠી મેના રોજ વચગાળાનો સ્ટે આપ્યો હતો.
સરકારે બાદમાં સુધારીત આદેશ કાઢીને પૂર્વેની પ્રક્રિયા અનુસાર એડમિશન આપવાનું સ્પષ્ટ કર્યું હતું. સુધારિત નિયમની પાર્શ્વભૂમિ પર આરટીઈ હેઠળ આરક્ષીત જગ્યા રાખ્યા વિના તેના માટે ખુલા વર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યાનો દાવો કરીને કેટલીક શાળાએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના સ્ટેના આદેશનો પુનર્વિચાર કરવાની માગ કરી હતી. તેની દખલ લઈને કોર્ટે પ્રક્રિયા શરૃ કરવા પરંતુ એડમિશન નહીં આપવાનો આદેશ સરકારને અપાયો હતો. તેના પર કેટલી સિટ પર પ્રવેશ અપાયા છે એની માહિતી મગાવી હતી.
અગાઉ શાળા ખુલ્યાને દોઢ મહિનો થયો છતાં ખાનગી બિનઅનુદાનીત શાળાએ હજી આરટીઈની સિટ પર કેટલા ખુલા વર્ગના વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો તેની માહિતી આપી નહોવાથી સોગંદનામું દાખલ કરી શકાયું નથી, એમ સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે સરકારની ભૂમિકા પર નારાજગી વ્યક્ત કરી હતી.