સુરેન્દ્ર રાણા એન્કાઉન્ટરમાં વરિષ્ઠ અધિકારીની સંડોવણીની તપાસ કરોઃ હાઈકોર્ટ

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્ર રાણા એન્કાઉન્ટરમાં વરિષ્ઠ અધિકારીની સંડોવણીની તપાસ કરોઃ હાઈકોર્ટ 1 - image


બે કોન્સ્ટેબલોની ધરપકડની માહિતી અપાયા બાદ આદેશ

૨૦૧૮ના કેસમાં એસઆઈટી નીમાયા પછી પણ પ્રગતિ નથીઃભાઈ જોગિંદર રાણાએ કરેલી અરજીની સુનાવણીમાં કોટનો નિર્દેશ

મુંબઇ: નાલાસોપારામાં ૨૦૧૮ના કથિત બનાવટી એન્કાઉન્ટર કેસમાં અસંતુષ્ટ તપાસને લઈને બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને ખખડાવ્યા બાદ હાઈકોર્ટે આ કેસમાં વરિષ્ઠ અધિકારીની સંભવિત સંડોવણીની તપાસ કરવાનો આદેશ એસઆઈટીને આપ્યો છે.

નાલાસોપારાના સ્થાનિક ક્રાઈમ બ્રાંચના પોલીસ નાઈક મનોજ સકપાળ અને પોલીસ હવાલદાર મંગેશ ચવ્હાણની આ કેસમાં ધરપકડ થયાની માહિતી આપવામાં આવતાં ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. મંજુશા દેશપાંડેની બેન્ચે ઉક્ત આદેશ આપ્યો હતો.

સુરેન્દ્ર રાણાના ભાઈ જોગિન્દર રાણાએ ૨૦૧૮માં કોર્ટમાં અરજી કરીને સીબીઆઈ દ્વારા તપાસ કરાવવા અથવા કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ કરાવાની માગણી કરતાં આ કેસ પ્રકાશમાં આવ્યો હતો.આ બંને આરોપી સામે ગુનો દાખલ કરીને કેસ સીબીઆઈને સોંપવાની માગણી માટે રાણાના ભાઈઅ અરજી કરી હતી.

અગાઉની સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે ૨૦૧૮માં થણે પોલીસ કમિશનર જયજીત સિંહના નેજા હેઠળ રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ બાદ કેસમાં કોઈ મહત્ત્વની પ્રગતિ થઈ નથી.

રાણાએ આરોપ કર્યો હતો કે વિડિયો અને તસવીરો સહિતના પુરતા પુરાવા હોવા છતાં પોલીસે એફઆઈઆર નોંધવાનો ઈનકાર કરીને માત્ર અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી.

કોર્ટે થાણે પોલીસ કમિશનરને એસઆઈટી રચીને તપાસનો આદેશ આપ્યો હતો. તુળિંજ પોલીસે નાલાસોપારાની સ્થાનિક ક્રાઈમ બ્રાંચના બે પોલીસ કમચારી સામે ગુનો નોધ્યો હતો. ત્યાર બાદ કેસની તપાસમાં કોઈ પ્રગતિ સધાઈ નથી.


Google NewsGoogle News