દિવાળીમાં ખાનગી ટ્રાવેલ્સવાળાએ ભાડું બમણાથી ત્રણ ગણું કર્યું
તહેવારમાં લોકોને ભાડાવધારાનો ફટકો
અમદાવાદ અને સુરત તરફ જવા માટે પણ પ્રાઇવેટ લકઝરી પર ધસારો
મુંબઇ : દિવાળીના વેકેશનમાં વતન જવા માગતા અથવા સહેલગાહ માટે જાવા ઇચ્છતા લોકોના પ્રચંડ ધસારાનો લાભ લઇને ખાનગી ટ્રાવેલ્સવાળાએ લકઝરી બસોનું ભાડું બમણાંથી ત્રણ ગણું વધારી દીધું છે. પરિણામે લોકોએ ભાડાવધારાનો ફટકો સહન કરવો પડયો છે.
દિવાળી પહેલાંના આ છેલ્લાં વીક-એન્ડમાં કોલ્હાપુર, છત્રપતી સંભાજી નગર, મહાબળેશ્વર, નાગપુર અને અમરાવતી માટેની ખાનગી લકઝરી બસોનું રિઝર્વેશન ફુલ થઇ ગયું છે.
મુંબઇથી સુરત, અમદાવાદ અને બેંગ્લોર જવા માટે પ્રવાસીઓનો ખરો ધસારો છે એમ ખાનગી ટ્રાવેલ્સવાળાએ જણાવ્યું હતું. દિવાળીમાં વધારવામાં આવેલા ભાડાનો બચાવ કરતા પ્રાઇવેટ લકઝરીવાળા કહે છે કે ઇંધણના દરમાં અને એરપોર્ટસની કિંમતમાં વધારો, ટોલ- ટેક્સ અને અન્ય ખર્ચને કારણે સામાન્ય દિવસોમાં ના નફા ના નુકસાન ધોરણે ગાડું ગબડાવીએ છીએ. એટલે તહેવારમાં ૧૫થી ૨૦ ટકા ભાડા વધારો કરીએ છીએ.